જામનગર: નાસી છૂટેલો કેદી આખરે ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કોર્ટ મુદત વખતે પોલીસને ચકમો આપી બાઇકમાં બેસીને નાસી ગયો હતો

જામનગર: જામનગરની જિલ્લા જેલમાં રહેલા હત્યાના આરોપીને મંગળવારે કોર્ટ મુદતે લઇ આવવામાં આવ્યો હતો. ત્યારે તે પોલીસ જાપ્તામાંથી મોટરસાઇકલ ઉપર આવેલા તેના બે સાગરીતો સાથે નાસી છુટયો હતો. જેને પોલીસે ઝડપી લીધો હતો. જોકે, પોલીસે આ કેદી અને તેના બે સાગરીતને પકડવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સુનિલ ઉર્ફે ધમો વિપુલભાઇ દલીતએ એજાજ નામના વ્યકિતની હત્યા કરી હતી અને તે માટે તે જેલમાં હતો અને તેને વારંવાર કોર્ટ મુદત માટે જામનગર જિલ્લા કોર્ટમાં લાવવામાં આવતો હતો. દરમિયાન ગત મંગળવારે જયારે તેને કોર્ટ મુદતે લાવવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટમાંથી પોલીસ તેને બહાર લાવી હતી અને પોલીસ ખટારીમાં બેસાડવા જતી હતી.

ત્યાં જ તેને જાપ્તાના પોલીસમેનને હડસેલો માર્યો અને પલકવારમાં જ ત્યાં આવીને ઉભેલી એક બાઇકમાં બે શખ્સોની વચ્ચે બેસીને નાસી છુટયો હતો અને પોલીસ કંઇ વિચારે ત્યાં તો હવામાં ઓગળી ગયો હતો. આ ઘટના બનતા પોલીસે તુરંત નાકાબંધી કરી હતી અને જાપ્તાના પોલીસ હેડ કોન્સ્ટેબલે સુનિલ ઉપરાંત તેના બે મિત્ર જયેશ માતંગ અને મનિષ નેપાળી સામે ગુનો નોંધાવ્યો હતો.

દરમિયાન એસપી બડગુજરના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ ડી.એન. પટેલ તથા સ્ટાફના જયુભા, ભરતભાઇ, હીરેનભાઇ, હંસરાજભાઇ, હરપાલસિંહ, ભગીરથસિંહ તમામે જુદા-જુદા સ્થળોએથી બાતમીઓ એકઠી કરી હતી અને વોચ ગોઠવી હતી તથા ટીમો બનાવીને જુદા-જુદા પોઇન્ટ ઉપર નાકાબંધી પણ કરી હતી. તેમાં આ ત્રણેય શખ્સો લાલપુર બાયપાસથી આગળ સાંઢીયા પુલ પાસેથી મોટરસાઇકલ નંબર જીજે-૧૦-બીકયુ-૩૭૯૯માં નાસી છુટયા બાદ પસાર થતાં આબાદ ઝડપાઇ ગયા હતાં.

આઠ દિવસ પહેલા જ યોજના બનાવી હતી

આરોપી સુનિલને આઠ દિવસ પહેલા જેલમાં મળવા આવેલા તેના આ બન્ને મિત્રોએ આગામી મુદત આવે ત્યારે કોર્ટમાંથી બહાર નીકળતી વખતે પોલીસને ચકમો આપીને નાસી છુટશું તેવી યોજના બનાવી હતી જેને ગઇકાલે મંગળવારે અંજામ આપ્યો હતો.