જામનગર: શહેરના 30 ટકા વિસ્તારોમાં ઉકરડાના થર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અસ્વચ્છતા: સોલિડ વેસ્ટ અને આરોગ્ય વિભાગની નિંભરતા છતી થાય છે
- દિવાળીના તહેવારો બાદ હજુ તંત્ર કામગીરીમાં અનિયમિત

જામનગર: જામનગર શહેરના જુના વિસ્તારોમાં 30 ટકા જેટલા વિસ્તારોમાં નિયમીત કચરા ઉપડતા નથી, સફાઇ થતી નથી, ગંદકી ઉઠાવાતી નથી, ઠેર-ઠેર લોકો ત્રાહીમામ પોકારી જાય તેવી ગંદકી જોવા મળે છે. આ સ્થિતિમાં મનપાનું તંત્ર હજુ દિવાળીની રજાઓ બાદ પણ કામગીરીમાં નિયમીત થયું નથી. સાથે-સાથે આરોગ્ય તંત્ર પણ રોગચાળાની સીઝન હોવા છતાં સોલીડ વેસ્ટ વિભાગ સાથે સંકલન કરી જરૂરી કામગીરી કરવા આગ્રહ કરતું નથી.

શહેરના કાલાવડ નાકા બહાર, ધુંવાવ નાકા બહાર, દરબાર ગઢ વિસ્તાર, ખંભાળિયા ગેઇટ બહાર, નાગનાથ ગેઇટ વિસ્તાર, સ્મશાન આજુબાજુના વિસ્તાર, ઇન્દીરા માર્ગ ઉપરના વિસ્તારો સહીતના સંખ્યાબંધ વિસ્તારો મળીને જુના સીટીના 30 ટકા જેટલા વિસ્તારમાં કચરા-ગંદકી એકઠા જ થયા રાખતા હોઇ ચીતરી ચઢે તેવા દ્રશ્યો જોવા મળે છે.

છતાં સોલીડ વેસ્ટ વિભાગ અને આરોગ્ય વિભાગ તેની નિભંરતા દૂર કરીને કાર્યવાહી કરતું નથી. તેમજ આઠ વોર્ડમાં કચરા ઉપાડવા માટે કોન્ટ્રાકટ અપાયા છે છતાંય નિયમીત કચરા ઉપડતા નથી અને ઉકરડા, કેનાલમાં ગંદકી જમાવડા, ઠેર-ઠેર ઉડતા કચરા જોવા મળે છે. જામનગર શહેરના િવસ્તારમાંથી દરરોજ 200 ટન સોલીડ વેસ્ટ ઉત્પન્ન થાય છે, પરંતુ તે તમામ કચરો એકત્ર થતો નથી અને ડમ્પીંગમાં ફેંકવામાં પણ આવતો નથી તેના કારણે સતત રહેતા કચરા-ગંદકીના કારણે હવા અને જમીનનું પ્રદુષણ ઉત્પન્ન થાય છે જે જન આરોગ્ય માટે ખતરો છે.

રોજની અઢીસો ફરિયાદ

કોર્પોરેશનના ટોલ ફ્રી નંબર ઉપર દરરોજ ગંદકી, કચરા, કચકાણ, ગટર અંગેની મળીને 250 ફરિયાદો નોંધાઇ છે અને હાલાકી એ છે કે તમામના નિકાલ થતાં નથી. તેમાંય પ્રિ-મોન્સુન કામગીરી વખતે થોડા-ઘણાં કેનાલની સફાઇના કામ થયા હતા. ત્યાં ફરી ગંદકી રાજ થઇ ગયા છે.