કોંગ્રેસી ધારાસભ્યનો ચોંકાવનારો આક્ષેપ, આપી આંદોલનની ચીમકી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શહેરના કોંગ્રેસી ધારાસભ્યનો ચોંકાવનારો આક્ષેપ, આપી આંદોલનની ચીમકી

અમદાવાદ, રાજકોટ જેવી મહાનગરપાલિકા કરતાં ઘણો જ વધારે પાણી વેરો ઉઘરાવતી જામનગર મહાપાલિકા પાણી વિતરણમાં નફો કરતી હોવાનું શહેરના ધારાસભ્યએ જણાવ્યું છે. તેમણે જામ્યુકના બજેટમાં પાણી વેરા સહિતનો નવો કરબોજ રદ કરવાની માગણી કરી છે.

જામનગર શહેરના કોંગ્રેસી ધારાસભ્ય હકુભા જાડેજાએ સ્થાયી સિતિના અધ્યક્ષને પાઠવેલા પત્રમાં જામ્યુકોનાં વર્ષ-૨૦૧૩-૧૪ના અંદાજપત્રમાં સૂચવાયેલા ૧૧ કરોડનાં વધારાના કરબોજને ગેરવ્યાજબી ગણાવ્યો છે. તથા બજેટની દરખાસ્તોને આંકડાની માયાજાળ સમાન ગણાવી છે.

તેમણે જણાવ્યું છે કે, બબ્બે દાયકાથી દૈનિક પાણી આપવાનું વચન આપતા જામ્યુકોનાં ભાજપના સતાધિશો દૈનિક તો ઠીક એકાંતરા પણ પુરતુ પાણી આપી શક્યા નથી, છતાં ૧૨ વર્ષે બજેટમાં પાણી ચાર્જમાં વધારો સૂચવીને શહેરીજનોને દાઝયા પર ડામ આપી રહયા છે.

અમદાવાદ, રાજકોટ જેવા મહાનગરોમાં દૈનિક પાણી વિતરણ કરવામાં આવતું હોવા છતાં ત્યાં પાણી વેરો જામનગર કરતાં ખૂબ ઓછો છે. ત્યારે રાજ્યમાં જામનગર મહાપાલિકા એવી છે જે પાણી વેરામાં નફો કરી રહી છે. જામ્યુકોના સત્તાધિશો ધારે તો પાણી વેરો ઘટાડીને રૂ.૫૦૦ કરી શકે તેમ છે, તેને બદલે બજેટ દરખાસ્તમાં પાણી વેરામાં ૧૬ ટકા જેટલો વધારો સૂચવવામાં આવ્યો છે.
ઉપરાંત મિલકતવેરામાં પણ ૫૦ ટકા વધારો સૂચવેલ છે.

હકીકતે હાઉસ ટેક્સનાં બાકી લેણાંની રૂ.૩૪ કરોડની રકમ રીબેટ યોજના દ્વારા વસુલવામાં આવે તો દર વધારવાની આવશ્યકતા ન રહે. જામનગરમાં ૨૫૦ જેટલાં સફાઇ કામદારોની ઘટ સામે છેલ્લાં પાંચ વર્ષથી કામદારોની ભરતી કરવામાં આવી નથી. છતાં સફાઇ કરમાં પણ ૫૦ ટકાનો ગેરવ્યાજબી વધારો સૂચવવામાં આવ્યો છે.

ઓકટ્રોયની અવેજીમાં સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાં ૧૫ ટકાનો ગ્રોથ મેળવવામાં જામ્યુકોના સતાધિશો નિષ્ફળ રહયા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે બજેટમાં કોઇ આયોજન કરવામાં આવ્યું નથી. ત્યારે મનઘડત વહીવટ દ્વારા મહાપાલિકાને ૨૦૦ કરોડનાં દેવામાં ડૂબાડી દેનારા જામ્યુકોના સતાધિશો રૂ. ૧૧ કરોડનો નવો કરબોજ રદ નિંહ કરે તો આગામી બજેટ બોર્ડમાં લોકોના હકક માટે આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે.