ખંભાળિયા: પત્નીની હત્યા કરનાર આખરે ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બે અઠવાડીયા સુધી અનેક જિલ્લાઓમાં રખડતો ભટકતો રહ્યો હતો
- ખંભાળિયામાં ચકચાર મચાવનાર કિસ્સામાં આખરે બે અઠવાડિયા બાદ આરોપીને પોલીસે દબોચ્યો

ખંભાળિયા: ખંભાળિયામાં પખવાડિયા પૂર્વે એક વિપ્ર મહિ‌લાને છરીના અસંખ્ય ઘા ફટકારી ઘાતકી હત્યા કરીને ફરાર થઇ ગયેલી યુવતિના પતિને બુધવારે પોલીસે ઝડપી લીધો હતો. બે અઠવાડીયા સુધી ફરાર રહ્યા બાદ પકડાયેલા આ શખસના કારસ્તાનથી સમગ્ર ખંભાળિયા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ ચકચારી બનાવની વિગત મુજબ, ખંભાળિયામાં સલાયા રેલ્વે ફાટક નજીક રહેતા પુષ્પાબેન લાલજીભાઇ પંડયાની છરીના અસંખ્ય ઘા ફટકારી નિર્મમ હત્યા થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

પુષ્પાબેનના લગ્ન ટ્રક ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા લાલજીભાઇ કૈલાશ પંડયા સાથે થયાના થોડા સમય પછી કોઇ કારણોસર બન્ને છેલ્લા પચ્ચીસેક વર્ષ થયા અલગ થઇ ગયા હતા અને આશરે ત્રણેક માસ પૂર્વે પતિ લાલજી ખંભાળિયા પરત આવી, તેમના પિત્ન પુષ્પાબેન સાથે રહેતો હતો. કોઇ બાબતે બોલાચાલી બાદ ગત તા.૨૬મી ઓગષ્ટના રોજ લોહી નીતરતી હાલતમાં પુષ્પાબેનની લાશ તેમના ઘરના બેડરૂમ પરથી મળી આવી હતી.

જયારે તેનો પતિ ફરાર થઇ ગયો હતો. આથી મૃતકના પુત્રવધુ શિતલબેનની ફરિયાદ પરથી પુષ્પાબેનની હત્યા તેણીના પતિ લાલજીભાઇની કથિત શંકા-કુશંકાના કારણે કરી હોવાથી પોલીસે આરોપી પતિ લાલજી કૈલાશ પંડયા (ઉ.વ.આ.પ૦)ની સઘન શોધખોળ તેમના ચોટીલા ખાતેના અન્ય મુકામ વગેરે સ્થળોએ પોલીસની અલગ-અલગ ટુકડીઓ બનાવીને હાથ ધરી હતી. આરોપી લાલજીભાઇ લાપતા બન્યા બાદ પોલીસે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા બાદ તે ખંભાળિયા વિસ્તારમાં આવ્યો હોવાની બાતમીના આધારે અહીંના ડીવાયએસપી જે.સી.કોઠીયાની સૂચના મુજબ તપાસનીશ પીએસઆઇ વી.એલ. પરમારે ખંભાળિયા-જામનગર હાઇવે પર ૧૭ કિમી દૂર એસ્સાર કંપનીની સામે આવેલી હોટલ પાસેથી આરોપીને દબોચી લીધો હતો.

ઝડપાયેલો આરોપી લાલજી તેના પિત્નની હત્યા કરીને ચોટીલા, સુરેન્દ્રનગર, અમદાવાદ વગેરે સ્થળોએ ફરાર થઇ ગયો હતો. તેણે તેનો મોબાઇલ મીઠોઇ ગામના એક શખ્સને આપ્યા બાદ તે આજરોજ પરત લેવા આવતા પોલીસ કોન્સ. રાજેન્દ્રસિંહ જાડેજાની બાતમીના આધારે ઝડપાઇ ગયો હતો.પોલીસે તેની જુદી-જુદી દિશાઓમાં આકરી પૂછપરછ હાથ ધરી છે. આ સમગ્ર કાર્યવાહી પીએસઆઇ પરમાર સાથે સ્ટાફના રાજભા જાડેજા, નિકુલભાઇ પાઠક, રમેશભાઇ રાઠોડ, શામળાભાઇ ગઢવી, અરવિંદભાઇ વગેરેએ કરી હતી.

આરોપીએ સિકકામાં બીજા લગ્ન કર્યા હતાં

વિપ્ર યુવાન લાલજી કૈલાશ પંડયા ટ્રક ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા હોય, તેણે સિકકા ગામની એક યુવતિ સાથે લગ્ન કરી લેતાં તેઓને બે સંતાનો થયા હતા. ત્યારબાદ આ દંપતિ વચ્ચે ખટરાગ પછી લાલજીએ પૂર્વ પિત્ન પુષ્પા સાથે સમાધાન કરી, છેલ્લા ત્રણેક માસ થયા ખંભાળિયામાં જ રહેતો હોવાનું બહાર આવ્યું હતું.

શંકા-કુશંકાના કારણે હત્યા થઇ હતી

દરમિયાન બે સપ્તાહ પૂર્વે જયારે પુષ્પાબેન પંડયાનો નિષ્પ્રાણ દેહ લોહી નીતરતી હાલતમાં તેમના ઘરેથી સાંપડયો હતો અને પતિ લાલજી પંડયા ફરાર થઇ ગયો હતો. ત્યારે મૃતકના પુત્રવધુ શિતલબેન ધર્મેશભાઇ પંડયાએ પોતાના સસરા લાલજી કૈલાસ પંડયા સામે ખંભાળિયા પોલીસમાં પિત્ન પ્રત્યે શંકા-કુશંકા સેવી છરી વડે નિર્મમ હત્યા કર્યાની ધોરણસર ફરિયાદ નોંધાવી હતી.

પરત લેવા આવ્યો અને ઝડપાઇ ગયો

હત્યા કરીને ફરાર થઇ ગયેલો આ વિપ્ર પ્રૌઢ ચોટીલા, સુરેન્દ્રનગર, અમદાવાદ વગેરે સ્થળોએ રખડતો-ભટકતો હતો અને પોતાનો મોબાઇલ તેના એક સ્નેહીને મીઠોઇમાં આપીને ગયો હતો. ત્યારે એ મોબાઇલ પરત લેવા આવતા પોલીસની વોચ હોય આબાદ ઝડપાઇ ગયો હતો. હત્યા કરીને પત્નીની લાશને લોહી નીતરતી હાલતમાં મુકીને આરોપી સૌ પ્રથમ તો ચોટીલા તરફ નાશી ગયો હતો ત્યાર બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં અને અમદાવાદ જિલ્લાઓમાં રખડતો ભટકતો રહેતો હતો.