દ્વારકામાં કૃષ્ણ ભગવાનનો પ૨૪૦મો જન્મોત્સવ ઉજવાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - મટકી ફોડ કાર્યક્રમ)
- રાત્રિના ૧૨ના ટકોરે 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી’ના ગગનભેદી નાદ સાથે કૃષ્ણભકતોએ જન્મોત્સવને હર્ષોલ્લાસથી વધાવ્યો

દ્વારકા: ર્તીથક્ષેત્ર અને ચારધામમાના એક એવા દ્વારકામાં રવિવારે જન્માષ્ટમીના દિવસે જગતમંદિરમાં કૃષ્ણનો પ૨૪૦મો જન્મોત્સવ ઉજવાયો હતો, ત્યારે બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ ગગનભેદી નાદથી ઉત્સવને વધાવ્યો હતો. દેશભરમાંથી મોટી સંખ્યામાં આવેલા ભાવિકોની સ્વયં શિસ્ત અને તંત્રની વ્યવસ્થાના કારણે જન્માષ્ટમીના તહેવારના દિવસો દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાયેલો રહ્યો હતો.
પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે શ્રાવણી આઠમ એટલે જન્માષ્ટમીના પાવન અવસરે હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં કૃષ્ણ જન્મોત્સવના ભકિતમય વાતાવરણમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાત્રિના ૧૨ના ટકોરે દ્વારિકાધીશના ત્રૈલોકય સુંદર જગતમંદિરમાં ઝળહળતી રોશની વચ્ચે સમગ્ર દ્વારકા નગરીનો માનવ મહેરામણ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત તેમજ વિશ્વભરમાંથી આવેલા હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી ના ગગનભેદી નાદ સાથે જન્માષ્ટમી પર્વ ઉજવાયો હતો.

જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન દ્વારિકાધીશના મંદિર પરિસરને કલાત્મક લાઇટિંગ તથા ડેકોરેશનથી સુશોભિત કરવામાં આવ્યુ હતું. રાત્રિના ૧૨ કલાકે થયેલા જન્મોત્સવ આરતીમાં કાંકરેજના ભૂતપૂર્વ ધારાસભ્ય અને દ્વારિકાધીશના ભકત, દેવભૂમિ દ્વારકાના કલેક્ટર, દેવસ્થાન સમિતિના વહીવટદાર તેમજ મોટી સંખ્યામાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાવિકો માટે સેવાભાવી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શહેરભરમાં વિવિધ સ્થળોએ નિ:શુલ્ક ચા-નાસ્તા-ફળાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉત્સવને ગુજરાત-ભારત -વિશ્વના કરોડો લોકોએ લાઇવ નિહાળ્યો હતો. કેમ કે, ભકતો ઘેર બેઠા જન્મોત્સવ માણી શકે તે હેતુ ઓફિશિયલ વેબસાઇટ પર પણ લાઇવ પ્રસારણ કરવામાં આવ્યુ હતું.