• Gujarati News
  • Khambhalia Abduction Victim And The Accused Arrested

ખંભાળિયાની સગીરાના અપહરણનો આરોપી ઝડપાયો : ૨ દીના રિમાન્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કૌટુંબિક સગા એવા યુવાનનું કૃત્ય:પોલીસમાં હાજર થયા

ખંભાળિયા તાલુકાના શેઢા ભાડથર ગામે રહેતી એક સગીરાના પખવાડિયા પૂર્વે થયેલા અપહરણના બનાવમાં આ કૃત્ય કૌટુંબીક સગા એવા યુવાનનું હોવાનું ખુલ્યુ હતું. આ સગીરા અને યુવક ગઇકાલે મંગળવારે રાત્રીના પોલીસ સમક્ષ હાજર થયા હતાં. પોલીસે આરોપી યુવાન સામે બળાત્કારની કલમ ઉમેરી, તેને બે દિવસના રિમાન્ડ પર લીધો છે. શેઢાભાડથર ગામે રહેતા મેર યુવાનની ૧૬ વર્ષની સગીર વયની પુત્રીને ગત તા.૧૨મી મે ના રાત્રીના અજાણ્યો શખ્સ અપહરણ કરીને લઇ ગયાની ફરિયાદ સગીરાના પિતા દ્વારા પોલીસમાં નોંધાવવામાં આવી હતી.

આ સગીરાનું અપહરણ તેમના દુરના કૌટુંબીક સગા ભાવેશ સવદાસભાઇ મોઢવાડીયા નામના ૨૩ વર્ષના મેર યુવાન દ્વારા લલચાવી-ફોસલાવી, બળાત્કારના ઇરાદે કરવામાં આવ્યાનું ખુલ્યુ હતું. લાપતા બનેલા આ યુવાન તથા સગીરા ગઇકાલે મંગળવારે રાત્રે નાટયાત્મક રીતે ખંભાળિયા પોલીસમાં હાજર થઇ ગયા હતા. આ યુવાનની એસઓજીના પોલીસ ઇન્સ. એચ.કે. વાઘેલા તથા હરદેવસિંહ અને મહેન્દ્રસિંહ જાડેજાએ ધરપકડ કરી હતી. જયારે સગીરાના મેડીકલ ચેકઅપ માટે તેણીને જામનગરની જી.જી. હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાનું જાણવા મળેલ છે.

પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપી ખેતીકામ અને ડ્રાઇવીંગ સાથે સંકળાયેલા ભાવેશ મોઢવાડિયાની પૂછપરછમાં અહીંથી નાશી જઇ, તેઓ રાજકોટ તેમજ જોડિયા તાલુકાના ગામોમાં તથા એક સંબંધીના ઘરે રહયા હોવાનું જયાં તેમણે શરીર સંબંધ બાંધ્યો હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે ભાવેશ સામે અપહરણની કલમ-૩૬૩, ૩૬૬ સાથે બળાત્કારની કલમ-૩૭૬નો ઉમેરો કરી, આજરોજ બુધવારે અદાલતમાં રજૂ કરી, રિમાન્ડની માંગણી કરતાં અદાલતે તેના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં. આ સમગ્ર કાર્યવાહી એસઓજીના પીઆઇ વાઘેલા સાથે હરદેવસિંહ જાડેજા, મામદભાઇ બ્લોચ, મહેન્દ્રસિંહ જાડેજા, મહેશભાઇ સવાણી, મુળુભાઇ વગેરે દ્વારા કરવામાં આવી હતી.