જામનગર:વાડીનારમાંથી બોમ્બ જેવો પદાર્થ મળી આવતા દોડધામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમને બોલાવાઇ હતી

જામનગર:ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામમાં એક વિદ્યાર્થીને ચિનાઇ બોમ્બ જેવો પદાર્થ મળી આવતા પોલીસને હકીકતની જાણ કરી હતી. સ્થાનિક પોલીસ ગંભીરતા લઇ જામનગરથી એફએસએલ, બોમ્બ સ્કવોડ સહીતની ટીમોને બોલાવી પદાર્થની તપાસણી કરતા બોમ્બ જેવો લાગતો આ પદાર્થ ચિનાઇ બોમ્બ નીકળ્યો હતો.. જો કે, આ બનાવથી સમગ્ર જિલ્લામાં દોડધામ મચી ગઇ હતી.
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતો ગંઢાર સાહીલ નામનો 16 વર્ષનો તરૂણ શાળાએથી છુટયા બાદ ચાલીને ઘરે જતો હતો. દરમ્યાન રસ્તામાં બોમ્બ જેવો પદાર્થ રસ્તામાં જોતા પોલીસને જાણ કરી હતી. આથી સ્થાનિક પોલીસ કાફલો ત્યાં પહોંચ્યો હતો અને ઉચ્ચ અધિકારીને જાણ કરી હતી.
સંવેદનશીલ વિસ્તાર ગણાતા વાડીનારમાં બોમ્બ મળ્યાની માહીતીથી દ્વારકા જિલ્લા પોલીસ વડાએ જામનગરથી બોમ્બ સ્કવોડ, એફએસએલના કાફલાને બોલાવી પદાર્થ કબ્જે કરી જાણ કરતા તે સામાન્ય દિવાળીનો ચિનાઇ બોમ્બ નીકળ્યો હતો. સામાન્ય બોમ્બ હોવાની જાણ થતાં અધિકારીઓએ રાહતનો દમ લીધો હતો. આમ, ખોદા પહાડ ઔર નિકલા ચુહા જેવી ઘટના બની હતી. જો કે, આ બનાવથી જિલ્લામાં દોડધામ મચી જવા પામી હતી.