તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરની પ્રાથમિક શાળાઓમાં બાળકોને આવકારવામાં આવ્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શહેરની ત્રણ શાળામાં યોજાયો પ્રવેશોત્સવ

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી બાદ શહેરી વિસ્તારોમાં બુધવારથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ રાજ્યના શિક્ષણ, મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી પ્રો. વસુબેન ત્રિવેદીના અધ્યક્ષસ્થાને જામનગરના ભીમવાસ જૂના રેલવે સ્ટેશન ખાતે આવે શાળા નં.૪૨માં યોજાયો હતો.

આ ઉપરાંત રણજીતનગર ખાતે આવેલી શાળા નં. ૫૬ અને જવાહરનગરમાં આવેલી શાળા નં.૪૦ ખાતે પણ મંત્રી વસુબેન ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને ધો.૧થી શાળા જીવન શરૂ કરનાર બાળકોને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં આવકારાયા હતાં.

વાલીઓ, શિક્ષકો અને નગરસેવકોને એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને અધુરો અભ્યાસ મુકીને શાળા છોડી ન જાય તે માટે સાવચેતી રાખવાનો અનુરોધ વસુબેન ત્રિવેદીએ કર્યો હતો. તેઓએ વધુમાં કહયું હતું કે, ગુજરાતના ભવિષ્ય એવા બાળકોના સપનાઓને સંજોવવા અને તેને સાકાર કરવાનું કામ આપણે સૌએ કરવાનું છે. બાળકોને ખૂબ ભણાવો અને તેઓના ઉછેરમાં સંસ્કારોની ઉણપ ન રહે તે માટેની ચીવટ લેવાનું પણ મંત્રીએ જણાવ્યું હતું.

- વિપક્ષ દ્વારા પ્રવેશોત્સવનો બહિષ્કાર

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્યો દ્વારા શહેરમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવનો બહિષ્કાર કર્યો હતો. સભ્યોએ રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને લખેલાં પત્રમાં જણાવ્યું છે કે, સમિતિ હસ્તકની શાળાઓમાં પાણી, સફાઇ, ટોયલેટ જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે. કોઇ શાળામાં શિક્ષકોનો અભાવ છે તો કોઇ શાળામાં વધુ પડતા શિક્ષકો છે. શાળા નં. ૧૨/૫૮ માં છતના પોપડા ઉખડી ગયા છે. ત્યારે પાયાની સુવિધાઓ પ્રત્યે ધ્યાન આપવાને બદલે પ્રવેશોત્સવનાં નાટકો દ્વારા પ્રસિધ્ધ મેળવવાનો કોઇ અર્થ સરતો નથી.