હાલારમાં સાસરિયાંઓનું રાક્ષસી કૃત્ય, પરિણીતાને જીવતી સળગાવી દીધી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જામનગર જિલ્લામાં પરિણીતાઓને સળગાવી દેવાનો પખવાડિયાના ગાળામાં ત્રીજો બનાવ

જામનગર જિલ્લામાં ખંભાળિયા પથકના વાડીનાર ગામે મુસ્લીમ સાસરીયાઓએ પરિણીતાને જીવતી સળગાવી નાખી હત્યા નપિજાવવાનો પ્રયાસ કરાતા સનસનાટી મચી જવા પામી છે. હોસ્પિટલના બિછાને મહિલાએ દમ તોડી દેતાં આ બનાવ હત્યામાં પલટાયો છે. જિલ્લામાં છેલ્લા પખવાડીયાના ગાળામાં આ ત્રીજો બનાવ નોંધાયો છે.

જામનગર જિલ્લાના ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે ક્રુર બનેલા સાસરિયાઓએ દાખવેલી ક્રુરતાની વિગતો મુજબ, વાડીનારધારમાં રહેતી રૂકસાનાબેન જુસબ સુલેમાન સંઘાર (ઉ.વ.૩૦) નામની પરિણીતાને તેના પતિ જુસબ, સાસુ રહેમત સુલેમાન, નણંદ મોમીનબેન, દિયર મોહસીન, અન્ય નણંદ આસમીનબેન અને સસરા સુલેમાન સહિતનાઓએ ગુરૂવારે બપોરે ચારેક વાગ્યાના સુમારે કેરોસીન છાંટી, સળગતી દિવાસળી ચાંપી દઇ જીવતી સળગાવી દીધી હતી. પરિણીતાની મરણચીસો સાંભળી આજુબાજુના પાડોશીઓ દોડી આવ્યા હતા અને તેણીને હોસ્પિટલ ખસેડી હતી.

જ્યાં ભોગગ્રસ્ત રૂકસાનાબેને સાતેય સાસરિયાઓએ જીવતી સળગાવી દીધી હોવાનું મરણોન્મુખ નિવેદન પોલીસ સમક્ષ આપ્યું હતું. સાસરિયાઓએ અવાર-નવાર દુ:ખ-ત્રાસ આપી વારેવારે ત્રાસ આપતા હતાં. ગુરૂવારે તેણીએ ઘર ખર્ચ માટે પૈસાની માંગણી કરતાં તમામ સભ્યો ઉશ્કેરાઇ ગયા હતાં અને આ કૃત્ય આચયું હોવાનું તેણીએ ખુદ નિવેદન આપ્યું હતું.

દરમિયાન શુક્રવારે બપોરે સારવાર હેઠળ રખાયેલી આ પરિણીતાનું મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો હતો. ઉલ્લેખનિય છે કે, દસેક દિવસ પૂર્વે જોડિયા તથા ચાર દિવસ પૂર્વે ખંભાળિયામાં ક્રુર સાસરિયાઓએ બે પરિણીતાઓને જીવતી સળગાવી દીધાના બનાવો નોંધાયા છે. ત્યારે વધુ એક બનાવ બનતાં સમાજ ચિંતકોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે.