તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Gadhaka Village Family Pautrae The Ax Murder Nipajavi 'acute

ગઢકા ગામે કૌટુંબિક પૌત્રએ જ વૃધ્ધાની હત્યા નીપજાવી’તી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઘર પાસે રેંકડી રાખવા મુદ્દે વિવાદ થતાં ભત્રીજાનો પિત્તો ગયો

કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે નિંદ્રાધીન સતવારા વૃધ્ધાની તેના જ કૌટુંબીક પૌત્રએ કરપીણ હત્યા નિપજાવી હોવાની વિગતો બહાર આવી છે. ઘર નજીક રેંકડી રાખી ધંધો કરતાં પૌત્રને વૃધ્ધાએ વારંવાર ના પાડતા હોવાથી ઢીમ ઢાળી દીધું હોવાનું જાણવા મળ્યું છે.

જામનગરના કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે સોમવારે રાત્રે પોતાના ડેલીબંધ મકાનની ઓસરીમાં સુતેલા કુંવરબેન કરસનભાઇ ડાભી (ઉ.વ.૭૫) ને કોઇ અજ્ઞાત શખ્સોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ક્રૂર રીતે રહેંસી નાખ્યાં હતાં. આ બનાવ અંગે વૃધ્ધાના પુત્ર હેમરાજભાઇ ડાભીએ અજ્ઞાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. છ પુત્રોથી અલગ થઇ વૃધ્ધા ગામમાં પોતાના મકાને એકલવાયુ જીવન ગુજારતા હતાં.

પોલીસે આ બનાવ અંગે વૃધ્ધાના કુટુંબીજનો સામે શંકા ઉચ્ચારી તમામના નિવેદનો નોંધ્યા હતાં. જેમાં વૃધ્ધાના પૌત્ર અશ્વીન આંબાભાઇ ડાભી (ઉ.વ.૨૪)ના નિવેદનમાં વિરોધાભાસ આવતાં પોલીસે તેની ઉલટ-પૂછપરછ કરી હતી. જેમાં પડી ભાંગેલા શખ્સે હત્યાની કબૂલાત કરી હતી. ગામમાં થતી નાની-નાની ચોરીઓમાં વૃધ્ધાએ પોતાની પર શંકા કરી પોતાને બદનામ કરતાં ઉપરાંત ઘર પાસે રેંકડી ઉભી રાખી ધંધો કરવાની ના પાડી વારંવાર કજીયો કરતાં હતાં. જેથી આ કજીયાના કાયમી ઉકેલ માટે આરોપીએ વારદાતને અંજામ આપ્યાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- તું સૂઇ જા...તારાથી આવું જોવાય નહીં..!

રાત્રે બારેક વાગ્યે વારદાતને અંજામ આપી આરોપી પૌત્ર ડેલીએથી બહાર નીકળ્યો હતો. આ જ સમયે કોઇ પાડોશીએ આરોપી સામે ટોર્ચ કરી હતી. જેના જવાબમાં અશ્વીને તું સુઇ જા... તારાથી આવું જોવાય નહીં તેમ જવાબ આપ્યો હતો. સવારે વૃધ્ધાની હત્યાની જાણ થતાં રાત્રે આરોપીને મળી ગયેલા શખ્સનું પણ પોલીસે નિવેદન નોંધ્યું હતું. પોલીસે કુહાડો અને આરોપીના લોહીવાળા કપડાં કબ્જે કર્યા હતાં.