હાલારમાં છવાયું ગાઢ ધુમ્મસનું આવરણ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધુમ્મસના કારણે વિઝિબિલિટ ઘટી જતાં સવારે વાહનચાલકોએ ભારે મુશ્કેલી અનુભવી
શહેર-જિલ્લામાં લગભગ દોઢ સપ્તાહ સુધી હાડ ગાળતી ઠંડીએ અડીંગો જમાવ્યા બાદ સતત ચોથા દિવસે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.જોકે, રવિવારે સવારે છવાયેલા ગાઢ ધુમ્મસના કારણે વિઝીબીલીટી અત્યંત ઘટી જતા ખાસ કરીને વાહનચાલકોએ ભારે હાલાકી અનુભવી હતી.
જામનગરમાં ચાલુ વર્ષે નવા વર્ષના પ્રારંભથી જ હેમાળાએ અસલ મિજાજ દર્શાવતા કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યુ હતુ.લગભગ દશ દિવસ સુધી લધુતમ તાપમાનનો પારો સીંગલ ડીઝીટમાં જ રહેતા લોકોએ કડકડતી ટાઢનો અહેસાસ કર્યો હતો અને બર્ફિલા પવનના મુકામના કારણે વાતાવરણ મહદઅંશે ઠંડુગાર રહયુ હતુ. જોકે,છેલ્લા ચાર દિવસથી ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને લધુતમ તાપમાનનો પારો પણ ડબલ ફીગરમાં પહોચતા અને પવનનું જોર પણ સામાન્ય રહેતા ઠંડીની માત્રામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
જામનગરમાં રવિવારે ઠંડીના સામાન્ય જોર વચ્ચે ગાઢ ધુમ્મસ છવાયુ હતુ.ભેજના ઉંચા પ્રમાણના કારણે વહેલી સવારથી છવાયેલી ગાઢ ધુમ્મસની ઓઢણી સુર્યોદય બાદ પણ યથાવત રહી હોવાનું જોવા મળ્યુ હતુ.અત્યંત ગાઢ ધુમ્મસના કારણે સવારે વિઝીબીલીટી પણ અંત્યત ઘટી જવા પામી હતી અને વહેલી સવારે તો એક તબકકે લગભગ ૧૦૦ ફુટ દુર નિહાળવુ પણ મુશ્કેલ બન્યુ હોવાનું ચિત્ર ઉપસ્યુ હતુ.જેના પગલે વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો અનુભવ કર્યો હતો.
જામનગરમાં રવિવારે સવારથી છવાયેલા ગાઢ ધુમ્મસના આલિંગનના કારણે મોનર્ગિ વોક કરનારાઓએ આહલાદક નજારાનો લાભ લીધો હતો.જયારે સુર્યોદય બાદ પણ યથાવત ધુમ્મસનું આવરણ મોડેથી વિખેરાતા વાતાવરણ પુર્વવત બન્યુ હતુ.જામનગરમાં રવિવારે લધુતમ તાપમાન ૧પ.૬ ડીગ્રી અને મહતમ તાપમાન ૨૮.૮ડીગ્રી રહયુ હતુ જયારે ભેજનું પ્રમાણ ૩૭ ટકાથી ૧૦૦ ટકા સુધી રહયુ હોવાનું સુત્રોએ જણાવ્યુ છે.
ધુમ્મસના કારણે ચાર વાહનો અથડાઇ પડયા
ખંભાળિયામાં રવિવારે વહેલી સવારથી ગાઢ ધુમ્મસના કારણે હાઇ વે પર ચાર વાહનો વચ્ચે સર્જા‍યેલા અકસ્માતમાં ચાર વ્યકિતઓને નાની મોટી ઇજાઓ થવા પામી હતી.જયારે વાહનોમાં પણ સારૂ એવું નુકશાન થયાનું જાણવા મળ્યુ છે.
ખંભાળિયા-જામનગર હાઇ વે પર અત્રેથી લગભગ ચાર કિ.મી.દુર રવિવારે સવારે જીજે૧૦ યુ ૨૭૪૦ નંબરની ખાનગી લકઝરી બસની પાછળ જઇ રહેલ એમ્બ્યુલન્સ નં. જીજે ૧૮ જી ૮૧૦૯ અથડાઇ પડી હતી,આ એમ્બ્યુલન્સને પાછળથી જઇ રહેલી ઇન્ડિકા કાર તથા તેની પાછળના ડમ્પરની થયેલી ટકકરના કારણે આ ચાર વાહનો વચ્ચે અકસ્માત થયાનું બહાર આવ્યુ છે.
આ અંગે જોડીયાના હડીયાણા ગામે રહેતા સરકારી કર્મચારી મહેશચંદ્ર શીવશંકર જોશીએ જી.જે. ૧૦ ઝેડ પ૦૨૪ નંબરના ડમ્પર ચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવતા આ અંગે આર.ડી.મકવાણાએ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માતમાં સદભાગ્યે કોઇ મોટી જાનહાની થઇ ન હતી,પરંતુ ચાર વ્યકિતને નાની મોટી ઇજાઓ સાથે અહિ‌ની હોસ્પીટલમાં સારવાર અપાઇ હતી.વાહનોમાં પણ નુકશાન થયાનું જાણવા મળ્યુ છે.