ખંભાળિયામાં બીએલઓએ પૂરતા કાપલી વિતરણ વગર રિપોર્ટ કર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જાગૃત મતદારોએ રજૂઆત કરતા ચોંકી ઉઠેલું તંત્ર
- એક તરફ વધુ મતદાન માટે જહેમત તો બીજી તરફ વેઠ ઉતારાઇ

ખંભાળિયા: ખંભાળિયા વિધાનસભા બેઠક માટે વધુ વધુ મતદાન થાય માટે એક તરફ ચૂંટણી તંત્ર જહેમત ઉઠાવે છે. તો બીજી તરફ મતદાર કાપલી વિતરણમાં વેઠ ઉતારાય છે તથા બીએલઓ કાપલી વિતરણ કર્યા વગર ખોટી સહીઓ કરાવી કામ પૂર્ણ થયાના રીપોર્ટ કરી દે છે. એવી ચોંકાવનારી રજૂઆત થતાં તંત્ર ચોંકી ઉઠયુ છે. અને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરાઇ છે. ખંભાળિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં સરકારી તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા મતદાન વધુમાં વધુ થાય તે માટે કમર કસવામાં આવી રહી છે. એક એક મીઠાવાર ભરી કાળજી મતદારો માટે લેવામાં આવી રહી છે.

વિકલાંગ વૃધ્ધ દર્દીઓ સહિ‌તના વિવિધ મતદારો માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઇ છે. એટલું જ નહીં ખૂદ સરકારી તંત્ર દ્વારા મતદારોને પોતાની મત કાપલી ઘરે ઘરે પહોંચાડવા શિક્ષકોને બીએલઓ તરીકે નિમણુંક કરી મતદારોને પોતાની કાપલી પહોંચાડવા ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ખંભાળિયા વિધાનસભાના પેટા ચૂંટણીમાં આજ દિવસ સુધી વોર્ડ નં. ૪ સુધીના કેટલાય વિસ્તારોમાં સરકારી શિક્ષકો દ્વારા મત કાપલી પુરતી વિતરણ કરવામાં આવી નથી અને કેટલાક મતદારોની કાપલી સામે આવા શિક્ષકો ખોટી-સાચી સહી કરી કામગીરી પુરી કરી દીધાનો ઉચ્ચ અધિકારીઓને રીપોર્ટ કરી દીધા છે.

પરંતુ કેટલાંક જાગૃત મતદારો દ્વારા આ અંગે જરૂરી આધાર પુરાવા એકત્ર કરી અત્રેના મામલતદારને રજૂઆત કરવા અને ફરિયાદ કરવા તજવીજ હાથ ધરાઇ છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ અંગે વિશેષ તપાસ કરી આવા બોગસ કામગીરી કરનાર શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી સરકારી ચોપડે ૮૮ ટકા જેટલી કામગીરી દેખાડનાર બીએલઓની કામગીરી અંગે ક્રોસ ચેકીંગ અને ઝીણવટભર્યુ ચેકીંગ કરવામાં આવે તો અનેક વિસ્તારોમાં મતદારોને કાપલી ન મળી હોવાની કેટલીક સ્ફોટક વિગતો બહાર આવી શકે તેમ છે. જો કે, આ અંગે વિધિવત ફરિયાદ કરવા તજવીજ થઇ છે.