ઓખાના કાંઠેથી ૪ ફૂટ લાંબો વિશાળ મૃત કાચબો મળી આવ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૪ ફૂટ લાંબો અને ૮૦ કિલો વજન ધરાવતો આ કાચબો ઓલીવ રીડલી જાતિનો હોવાનું બહાર આવ્યું

ઓખાના દરિયા કાંઠેથી એક વિશાળ કાચબાનો મૃતદેહ મળી આવ્યો હતો. રક્ષિત જળચરોની સૂચિમાં આવતા આ ૮૦ કિલો વજનનાં અને ૪ ફૂટનું કદ ધરાવતા કાચબાના મૃતદેહનો વન વિભાગે કબજો લઇ પોસ્ટ મોર્ટમ માટે દ્વારકા લઇ જવામાં આવ્યો હતો.

ઓખાના દરિયા કાંઠે ચોપાટી નજીક ભેખડમાં આ કાચબાનો મૃતદેહ પડયો હોય તેને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતાં ઓલિવ રીડલી જાતિના આ કાચબાનું મૃત્યુ થતાં તે ભરતીના પાણીમાં અહીં તણાઇ આવ્યો હોવાનું માનવામાં આવે છે.

જાણકારોનાં મતે ધાર્મિક દ્રષ્ટિએ આ કાચબો વિષ્ણુ અવતાર તરીકે ઓળખાય છે, સમુદ્ર મંથન સમયે આ કાચબાની પીઠ પર મેરુ પર્વતને વલોણું બાનાવાયો હતો. દરેક શિવમંદિરમાં નંદી સાથે આ કાચબો જોવા મળે છે. કાચબાના મૃતદેહ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા દોડી આવેલાં વન અધિકારીઓ વન્ય અધિનિયમ હેઠળ રક્ષિત આ કાચબાનાં મૃતદેહનો કબજો લઇ ગયા હતાં. જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરી મોતનું કારણ જાણ્યા બાદ આગળની કાર્યવાહી કરશે.