ભ્રષ્ટાચારની બદબૂ, 20 લાખનું કામ કોન્ટ્રાક્ટરે 16 લાખમાં કર્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વિરોધપક્ષ દ્વારા તપાસની માગણી : કામ નબળું કે જામ્યુકોના એસ્ટીમેટ ખોટા..

બાંધકામ મટીરીયલ્સના ભાવોમાં દિન-પ્રતિદિન વધારો થઇ રહયો છે. ત્યારે જામનગરનાં રણમલ તળાવમાં પાણી લાવતી ફિડીંગ કેનાલની રીટેઇનિંગ વોલનું કામ કોન્ટ્રાકટરે જામ્યુકોએ તૈયાર કરેલા એસ્ટીમેટ કરતાં ૨૦ ટકા નીચા ભાવે કરતાં આશ્ચર્ય વ્યકત કરી વિપક્ષી સભ્યોએ આ કામ નબળી ગુણવતાનું થયું હોવાની આશંકા વ્યકત કરી તપાસની માગણી કરી છે.

જામ્યુકોની સામાન્ય સભામાં મંજૂરી માટે આવેલી આ કામની દરખાસ્ત અંગે પૂર્વ વિપક્ષી નેતા એ.એ.ચાકીએ જણાવ્યું હતું કે, સરકારની વિવેકાધીન યોજના અંતર્ગત ફાળવાયેલી ગ્રાન્ટમાંથી કરવામાં આવી રહેલા આ કામ અંગે જામ્યુકોનાં ઇજનેરો દ્વારા રૂા.૨૦ લાખનું એસ્ટીમેટ તૈયાર કરવામાં આવ્યું હતું. પરંતુ કોન્ટ્રાકટરે એસ્ટીમેટથી ૨૦ ટકા નીચે એટલે કે માત્ર રૂા.૧૬ લાખમાં કરતાં આશ્ચર્ય સાથે શંકા-કુશંકાઓ ઉદ્દભવી છે. જામ્યુકોએ રાજય સરકારનાં ૨૦૧૧નાં એસ.ઓ.આર મુજબ મટીરીયલ્સનાં ભાવોનાં આધારે એસ્ટીમેટ તૈયાર કરાયું છે.

જેમાં દિન-પ્રતિદિન ભાવ વધારો થઇ રહયો છે. ત્યારે કોઇને પણ નીચા ભાવે કામ કરવું પોશાય નહીં તો કોન્ટ્રાકટરે ૨૦ ટકા જેટલાં નીચા ભાવે આ કામ કઇ રીતે કર્યુ ? તેમણે જણાવ્યું હતું કે, કાં તો આ કામ નબળી ગુણવતાનું થયું છે. અથવા તો ઇજનેરો દ્વારા તૈયાર કરવામાં આવેલાં એસ્ટીમેટ ખોટા છે. ત્યારે આ કામની તપાસ કરવી જરૂરી છે.
જો કે, ચેરમેન અને સીવીલ વિભાગનાં ઇજનેરે બચાવ કરતાં કહ્યું હતું કે, રીટેઇનિંગ વોલના કામમાં કશું જ ખોટું થયું નથી. ઉલટાનો જામ્યુકોને રૂા.ચાર લાખનો ફાયદો થયો છે. વિપક્ષી નેતા ધર્મેન્દ્રસિંહ ઝાલાએ આ કામમાં વપરાયેલ રેતી, કાંકરી, પથ્થર જેવા ખનિજની રોયલ્ટી ખાણ ખનીજ વિભાગમાં ભરવામાં આવે છે કે કેમ તે પ્રશ્ન પણ ઉભો કર્યો હતો અને આ બાબતે તપાસ કરવાની માંગણી કરી હતી.

રણજિતસાગરમાં જામ્યુકો દ્વારા થનારા કામ પર વિરોધપક્ષ દેખરેખ રાખશે

રણજીતસાગરને ઉંડો ઉતારવા માટે જામ્યુકો દ્વારા રૂા.૬ કરોડની ગ્રાન્ટમાંથી થનારા કામમાં ભ્રષ્ટાચારની આશંકા વ્યકત કરી વિપક્ષી નેતા ધર્મેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું છે કે, મહાપાલિકા દ્વારા જે કામ કરવામાં આવશે તેના પર વિરોધપક્ષ એક સમિતિ બનાવી સતત દેખરેખ રાખશે. તેમણે એવો પ્રશ્ન ઉઠાવ્યો છે કે, લાખોટા જળસંચય અભિયાન સમિતિ અહીં ખૂબ સારૂ કામ કરી રહી છે. ત્યારે જામ્યુકોનાં સતાધિશો આ કામ જામ્યુકો દ્વારા જ કરવાનો શા માટે આગ્રહ રાખે છે ?