લાલપુરની BOIમાં ધિરાણના નામે રૂ. ૨૫ લાખનું કૌભાંડ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નવ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

જામનગર જિલ્લાના લાલપુર મથકની બેંક ઓફ ઇન્ડિયા બ્રાન્ચ સાથે ભેજાબાજોએ બુધ્ધિ અને સત્તાના જોરે પાક ધીરાણના નામે રૂ.૨૪.૯૦ લાખની છેતરપિંડી આચરતા ચકચાર મચી જવા પામી છે. ખેડૂતો પાસેથી પાક ધીરાણની રકમ વસુલાવા બેંક દ્વારા કાર્યવાહી કરાતા આ છેતરપિંડી સામે આવી છે. આ પ્રકરણમાં બેંક અને મહેસુલ વિભાગના કર્મચારીની સંડોવણીની આશંકા સેવાઇ રહી છે.

જિલ્લાના લાલપુર તાલુકા મથકમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયાના બ્રાન્ચ મેનેજર જસ્મીનભાઇ અનુપભાઇ ઠાકરે જામનગર અને વિભાપર ગામના નવ શખ્સોએ પાક ધીરાણના નામે ખોટા દસ્તાવેજ જમા કરવી બેંકમાંથી રૂ. ૨૪,૯૦,૦૦૦ની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

જામનગરના કડિયાવાડ વિસ્તારમાં રહેતા ભાવિક બીપીન મકવાણા, આદર્શ શિવશંકર તીવારી, જુગનુ રાકેશ શર્મા, ધમેન્દ્ર અનંતરાય માંડલીયા, હેતલ જુગનુ ઇશ્વરલાલ, મેહુલ રમેશ પરમાર અને વિભાપર ગામના જગદીશ ખીમજી ભંડેરી તથા દામજી મોહન ભંડેરી નામના શખ્સોએ આરબલુસ અને મચ્છુબેરાજા ગામના પોતે ખાતેદાર હોવાના ૭/૧૨, ૮-અ હકકપત્રકો બનાવી, ખોટા સહી-સિકકા કરી આ ખોટા દસ્તાવેજોના આધારે ગત વર્ષે એપ્રિલથી જુન મહિનાના ગાળામાં રૂ. ૨૪.૯૦ લાખની કેસ પાક ધીરાણ તરીકે મેળવી લીધી હતી.

સમય જતાં બેંક દ્વારા ખાતેદારો પાસેથી જરૂરી રકમની વસુલાત અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ બેંક નોટીસનો કોઇ પ્રત્યુત્તર નહીં મળતા બેંક દ્વારા ફરિયાદ નોંધાવાઇ હતી. લાલપુર પીએસઆઇ એલ.ડી.ઓડેદરા સહિતના સ્ટાફે આ પ્રકરણની ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

- તમામ આરોપીઓ તો નાની માછલી છે

લાલપુર પંથકમાં ફરજ બજાવતા એક તલાટી કમ મંત્રી અને અગાઉના બેંક મેનેજર આ પ્રકરણના મુખ્ય મગરમચ્છ (આરોપીઓ) હોવાની વિગતો સુત્રોમાંથી જાણવા મળી છે. મહેસુલ અને બેંક કર્મીએ નવ શખ્સોના નામે બોગસ દસ્તાવેજ આસાની પૂર્વક બનાવી શિફતતાથી લાખો રૂપિયાની લોન મેળવી લીધી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

- નવ શખ્સને ૧૦-૧૫ હજાર જ મળ્યા

બેંકમાંથી લોન મેળવવા મુખ્ય ભેજાબાજોએ આરોપી તરીકે દર્શાવાયેલા નવેય શખ્સોનો માત્ર ખાતેદાર તરીકે ઉપયોગ કર્યો હતો. એક-એક શખ્સને ૧૦ થી ૧૫ હજારની જ રકમ આપી મુખ્ય સુત્રધારોએ લાખો રૂપિયા ગપચાવી ગયાની વિગતો જાણવા મળી છે.

- રિક્વરીની નોટિસો મળીને

નવેય શખ્સોના નામે પાક ધીરાણની લોન આપ્યા બાદ બેંકે સમય જતાં રીકવરી તરફ પ્રયાણ કર્યું હતું. જો કે, ખાતેદારોએ જવાબ નહીં આપતા બેંકે નોટીસો ફટકારી હતી. જેથી ફરિયાદમાં આરોપી તરીકે ચિતરાયેલા શખ્સોએ આ સમગ્ર પ્રકરણની પોલીસ સમક્ષ અરજી કરી હતી. ત્યારબાદ બેંક દ્વારા કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.

- જામીન વગર જમીનદાર!!

મહેસુલ કર્મી પદે એક પછી એક તમામ આરોપીઓનો સંપર્ક કરી વિશ્વાસમાં લીધા હતાં. ત્યારબાદ બન્ને સરકારી બાબુઓએ જમીન વગરના આરોપીઓના નામે જમીન હોવાના ખોટા ૭/૧૨, ૮-અ દાખલા બનાવ્યા હતા.