હાલારમાં ફરી કડકડતી ઠંડીનું પુનરાગમન : વાતાવરણ ટાઢુંબોળ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ત્રીસ કિ. મી. ની ઝડપે બર્ફિલો પવન ફૂંકાયો : વાતાવરણ ટાઢુંબોળ

જામનગર શહેર-જિલ્લામાં લગભગ સપ્તાહના વિરામ બાદ બુધવારથી ફરી હાડ ધ્રુજાવતી ઠંડીએ પુનરાગમન કર્યું છે.લધુતમ તાપમાનનો પારો ફરી ગગડીને સીંગલ ડીઝીટમાં સરક્તા લોકોએ કડકડતી ઠંડીનો અહેસાસ કર્યો હતો.જ્યારે પવનનું જોર પણ રહેતા વાતાવરણ ઠંડુગાર રહયુ હતુ.જામનગરમાં બુધવારે લધુતમ તાપમાન ૮.૨ ડીગ્રી નોંધાયુ હતુ.

જામનગરમાં શહેર-જિલ્લામાં ગત સોમવારે એકાએક વાતાવરણમાં પલટો આવતા અનેક સ્થળોએ કમોસમી છાંટા બાદ ઉત્તર ભારતમાં અવિરત હિમવર્ષાના પગલે ઠંડીનું જોર વધવાની શક્યતા હવામાનશાસ્ત્રીઓ દ્રારા દર્શાવાઇ હતી.દરમ્યાન જામનગરમાં બુધવારે એકાએક લધુતમ તાપમાન ફરી ગગડીને સીંગલ ડીઝીટમાં સરક્તા કડકડતી ઠંડીનું મોજુ ફરી વળ્યુ હતુ.

ઠંડીના જોર વચ્ચે પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો થયો હતો.વીશથી ત્રીસ કિ.મી.ની ઝડપે ફુંકાયેલા બર્ફિલા પવનના પગલે કાતિલ ઠંડીનું મોજુ પ્રસરી જતા જનજીવન રીતસર ધ્રુજી ઉઠયુ હતુ.ખાસ કરીને સવારે શાળા-કોલેજોએ જતા વિધાર્થીઓને ઠંડીના જોરદાર પુનરાગમનના કારણે ભારે મુશ્કેલીનો સામનો કર્યો હતો.તો સાથો સાથે ઠંડીના પ્રકોપના પગલે પશુ પક્ષીઓ પણ ઠુંઠવાયા હતા.

જામનગર ઉપરાંત કાલાવડ, ધ્રોલ-જોડીયા,લાલપુર, ભાણવડ, જામજોધપુર, ખંભાળિયા,કલ્યાણપુર પંથકમાં પણ ઠંડીનુ જોર રહેતા લોકોએ ટાઢમાં થરથર્યા હતા.આગામી દિવસોમાં પણ ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના જાણકારો દ્રારા દર્શાવાઇ રહી છે.

- એક જ દિવસમાં લઘુતમ તાપમાન ૭.૬ ડિગ્રી ગગડ્યું

જામનગર પંથકમાં બુધવારે ફરી તિવ્ર ઠંડીએ પુનરાગમન કર્યું છે.મંગળવારે લધુતમ તાપમાન ૧૫.૮ ડીગ્રી નોંધાયુ હતુ જ્યારે બુધવારે ન્યુનતમ તાપમાનનો પારો ૭.૬ ડીગ્રી જેટલો નીચે ગગડીને ૮.૨ ડીગ્રીએ પહોચી જતા લોકોએ ફરી હાડ ધ્રુજાવતી ઠંડીનો અહેસાસ કર્યો હતો.