જામનગરના કારખાનેદારોનું લાખો રૂપિયાનું ફુલેકૂ ફેરવતો સૂરતી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- એકાદ ડઝન વેપારીઓ પાસેથી બ્રાસનો તૈયાર માલ મંગાવી ચેક આપ્યા પરંતુ તમામ રીટર્ન થયા

જામનગર નજીક ઔધોગિક એકમોના કાર્યરત એકાદ ડઝન બ્રાસ કારખાનેદારો પાસેથી ૪૦ થી પ૦ લાખનો માલ મંગાવી સુરતના શખસે છેતરપીંડી આચરતા ચકચાર મચી જવા પામી છે, માલના બદલામાં સુરતીએ આપેલા ચેક રીટર્ન થતા આ છેતરપીંડી પ્રકાશમાં આવી હતી.

જામનગરમાં બ્રાસ પાટર્સ આલમમાં સનસનાટી ફેલાવનાર બનાવની વિગત મુજબ, શહેરના કૃષ્ણનગર શેરી નં.પ માં રહેતા અને દરેડ જીઆઇડીસીમાં કારખાનુ ધરાવતા અમીત બાબુભાઇ શિંગાળા તથા અન્ય ચાર કારખાનેદારો પાસેથી સુરતના અમરોલી વિસ્તારમાં શિવનગરમાં રહેતાં મુકેશ ઉર્ફે અતુલ માવજીભાઇ અજુડીયાએ બ્રાસપાટર્સનો તૈયાર માલ મંગાવ્યો હતો.

જેની સામે સુરતના વેપારીએ અમીતભાઇ સહિતના કારખાનેદારોના રૂ.૯૮૮૧૯૮ની કિંમતના ચેક મોકલ્યા હતાં. સુરતની સાશ્વત કો.ઓ.બેન્કના આ ચેક જામનગરના વેપારીઓએ વટાવ અર્થે બેંકમાં મોકલ્યા હતાં. પરંતુ આ ચેક રીટર્ન થતાં જામનગરના વેપારીઓએ સુરત સુધી તપાસ લંબાવી હતી. પરંતુ ત્યાં પટેલ શખ્સની રોયલ ટ્રેડીંગ નામની પેઢી બંધ હાલતમાં અને આ શખ્સ હાજર મળ્યો હતો. જેથી પરત ફરેલા કારખાનેદારોએ આ બાબતે પંચકોશી-બી ડિવીઝન પોલીસ દફતરમાં વિગતવારે ફરિયાદ નોંધાવી હતી.

બીજી તરફ સુરતના આ શખ્સે અન્ય એકાદ કારખાનેદારને પણ આ જ રીતે ત્રીસેક લાખના શીશામાં ઉતારી દીધા હોવાની વિગતો જાણવા મળી છે. આ કારખાનેદારોએ પણ કાનૂની કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.