સુરતના શખ્સ સામે વધુ દસ લાખની છેતરપિંડીની ફરિયાદ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બન્ને ડિવિઝનમાં ૨૦ લાખના બ્રાસના મુદ્દામાલની છેતરપિંડી આચર્યાની રાવ

જામનગરના દરેડ ઔદ્યોગિક વિસ્તારમાં બ્રાસના કારખાનેદારોને દશ લાખના શીશામાં ઉતારનાર સુરતના પટેલ શખ્સે ઉદ્યોગનગરના કારખાનેદારોનો રૂ.૯.૮૧ લાખનો મુદામાલ મેળવી છેતરપીંડી આચર્યાની વધુ એક ફરિયાદ પોલીસ દફતરે નોંધાઇ છે.
સુરતમાં અમરોલી વિસ્તારના શિવનગરમાં રહેતાં મુકેશ માવજીભાઇ અજુડીયાએ પોતાની પેઢીના નામે જામનગરના બ્રાસપાર્ટસના કારખાનેદારો સાથે વ્યાપારિક સંબંધ બાંધ્યા હતાં. શહેરના વેપારીઓ પાસેથી બ્રાસનો જથ્થો શરૂ કરી શરૂઆતમાં વિશ્વાસ સંપાદન કર્યો હતો. ત્યારબાદ તા.૨૩-૬-૨૦૧૨ થી તા.૨૧-૩-૨૦૧૩ના પોણા વરસના ગાળામાં સુરતના ચાર શખ્સે જીઆઇડીસી અને ઉદ્યોગનગરના એકાદ ડઝન કારખાનેદારો પાસેથી આશરે અડધા કરોડ રૂપિયાનો પીતળનો તૈયાર માલ ખરીધ્યો હતો.

દરમિયાન આ ઠગ વેપારીએ સુરતની સહકારી બેંકના ચેક આપ્યા હતાં. શહેરના વેપારીઓએ આ ચેક બેંકમાં વટાવવા નાખ્યા બાદ નાણાંના અભાવે પરત ફર્યા હતાં. ત્યારબાદ કારખાનેદારોને સુરતી શખ્સનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આરોપીની પેઢીની તાળા તથા સેલફોન બંધ આવ્યો હતો.

સુરતી ઠગના કારનામા અંગે તાજેતરમાં જીઆઇડીસીના એક કારખાનેદારે નોંધાવેલી ફરિયાદ બાદ ઉદ્યોગનગરમાં કારખાનું ધરાવતા જગદીશ વીરજીભાઇ લુણાગારિયાએ પોતાની તથા અન્ય કારખાનેદારો સાથે રૂ.૯,૮૧,૩૧પની છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાવી હતી.