તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગર: શાસક પક્ષ ઉપર આક્ષેપ થતાં બોર્ડ વિખેરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સનસનાટી | કોર્પોરેશનની સામાન્ય સભામાં હજુ તો સફાઇ, આરોગ્ય તેમજ હાલના રોગચાળા અને પાણી અંગે પસ્તાળ પડવાની બાકી હતી
- શરૂઆતમાં જ વિપક્ષના સિનિયર કોર્પોરેટર નીચે બેસી જતાં મામલો ગરમ થયો

જામનગર: જામનગર મ્યુનીસીપલ કોર્પોરેશનના જનરલ બોર્ડમાં શરૂઆતથી જ ગરમા ગરમી ચાલતી હતી તેવામાં ગોઠવાણું નથી તેવા આક્ષેપ થતા અધ્યક્ષએ બોર્ડની કાર્યવાહી પુરી થયાનું જાહેર કર્યુ હતું જોકે આ બોર્ડમાં સફાઇ, પાણી અને રોગચાળાના મુદ્દે પસ્તાળ પડવાની તો હજુ બાકી હતી. સીનીયર કોર્પોરેટર અને વિપક્ષના આગેવાન એ.એ.ચાકીએ ગત વખતે એવુ કહ્યું હતું કે મારા મુદ્દાઓમાં ધ્યાન અપાતું ન હોય હું આગામી બોર્ડમાં નીચે બેસીશ. પરંતુ મીનીટસમાં એવી નોંધ હતી કે તેઓ ઉપવાસ ઉપર બેસશે આ મુદ્દે રકઝક ચાલી અને મીનીટસમાં સુધારો કરવાનો હઠાગ્રહ રાખીને તેઓ સ્ટેજની બાજુમાં જ નીચે બેસી ગયા બાદમાં મીનીટસમાં સુધારો કરવાની ખાત્રી અપાતા મામલો થાળે પડયો હતો.

ત્યાં વળી સીટી બસ શરૂ થવાની છે તે બાબતે કોર્પોરેટર મનીષ કનખરા મેયરની પ્રશસ્તી કરતા હતા અને ચાર-ચાર વખત ટેન્ડર પ્રક્રિયા કરી છતાં પાર્ટીઓ આવતી ન હતી તેવું આ કપરૂ કામ ગણાય છે તેમ કહયું ત્યાં તો વિપક્ષ છાવણીમાંથી અવાજ આવ્યો કે ચાર-ચાર વખત ટેન્ડર બહાર પાડયા તોય ગોઠવાણું નહી... આ શબ્દથી શાસક પક્ષને હાડોહાડ લાગી આવ્યું અને અધ્યક્ષએ આ શબ્દો પાછા ખેચવા કહયું છતાંય શબ્દો પરત ન ખેંચાતા અધ્યક્ષએ બોર્ડ પુરૂ થયાનું જાહેર કરી દીધું હતું.

બાદમાં વિપક્ષના પૂર્વ દંડક દેવશીભાઇ આહિરે જણાવ્યું હતું કે, હું તો એવું કહેતો હતો કે બસ ગોઠવાતી નથી, મારો કોઇ અન્ય ઇરાદો ન હતો જોકે ત્યાં તો બોર્ડ વિખેરાઇ ગયું હતું. કોઇપણ કારણો જાહેર થાય, પરંતુ પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા તેમજ લોકોની હાલાકી, રોગચાળો, સફાઇના પ્રશ્નો સહિતના મુદ્દે ખરેખર બોર્ડમાં છણાવટ થવી જોઇએ તે થઇ ન શકી. જાેકે મેયર દિનેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, આક્ષેપ થયા હોય બોર્ડ સમાપ્ત કરવું પડયું હતું પરંતુ ટોયલેટ અને સીટી બસ મંજુર કરાયા છે.

5 સિટીબસ શરૂ થશે

શહેરમાં ટાઉનહોલ અને ડીકેવીને મુખ્ય મથક ગણીને 32 સીટીંગ કેપેસીટી વાળી પાંચ બસ સૌ પ્રથમ શરૂ થશે જે 3 મહીનામાં વધીને દસ થશે જોકે ટીકીટના દર નકકી કરવા રાજય સરકારનું માર્ગદર્શન મંગાવ્યું છે તે મુજબ અમલ કરી બસના પ્રારંભ થશે, આ સેવામાં લાલપુર બાયપાસ, દરેડ, ધુંવાવ, બેડી, સાતરસ્તા, પાણાખાણ વગેરે વિસ્તારો આવરી લેવાશે.

બોર્ડમાં કોણે શું કહ્યું...

ગૃહની ગરીમા જાળવો,શોક ઠરાવ કરવાનો મલાજો જાળવો-મેયર.
આપણે બોલીને સુધારો કરતા હોઇએ છીએ માટે સીનીયર કોર્પોરેટર ચાકી જે સુધારો કરવાનો કહે છે તે કરવો જોઇએ-સીનીયર કોર્પોરેટર પ્રવીણ માડમ.
શૌચાલયના દરવાજાઓ તુટેલા છે, 20 એવા છે જેનો ઉપયોગ થતો નથી.-દેવશી આહીર.
સ્લમ શાખાને કામ કરવાની તાકીદ કરૂ છું-મેયર.
વિપક્ષના વિસ્તારમાં કામ થતા નથી-વિપક્ષ નેતા.
કોન્ટ્રાકટરો ઉપર અધિકારીઓનો અંકુશ નથી-અસલમ ખીલજી.
બોર્ડમાં સૌએ મોટું મન રાખવું જોઇએ.-મેરામણ ભાટુ.
સીટી બસ શરૂ થશે તે ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય-મનીષ કનખરા.