સીંગતેલની નિકાસ પરના પ્રતિબંધથી ખેડૂતો પાયમાલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કેન્દ્ર સરકારને ઢંઢોળવા સંસ્થાઓ બંધ રાખવા પૂર્વ સાંસદનો અનુરોધ

સીંગતેલની નિકાસ પર પ્રતિબંધથી ખેડૂતો પાયમાલ થાય તેવી સ્થિતિ સર્જા‍ઇ છે. તેમ પૂર્વ સાંસદે જણાવી આ અંગે કેન્દ્ર સરકારને ઢંઢોળવા ખેડૂતો માટે કાર્યરત સંસ્થાઓ બંધ રાખવા અનુરોધ કર્યો છે.

જામનગર યાર્ડના ચેરમેન અને પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલે નિવેદનમાં જણાવ્યું છે કે, ખેતી પ્રધાન દેશમાં ચાલુ સાલ મગફળીનું કુલ ૪૯ લાખ ટનનું ઉત્પાદન થવાનો અંદાજ છે. જે પૈકી ૨૯ લાખ ટન એટલે કે લગભગ ૬૦ ટકા જેટલી મગફળી એકલા ગુજરાત રાજયમાં ઉત્પાદન થવાનો અંદાજ છે. મગફળીનું મબલખ ઉત્પાદન થવાના કારણે આપણે મગફળી, સીંગતેલની નિકાસ કરીને મહામુલુ વિદેશી હુંડીયામણ કમાઇ શકીએ તેવી પરિસ્થિતિ છે. પરંતુ કેન્દ્ર સરકારે સીંગતેલની નિકાસ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

વળી, મોંઘવારીમાં ચાલુ સાલ રાસાયણિક ખાતરો, બિયારણ, જંતુનાશક દવાઓ, ખેત ઓજારો તેમજ ખેતમજૂરીનાં દરો આસમાનને આંબી રહયા છે. માટે ખેડૂતોને મગફળીનાં યોગ્ય -પોષણક્ષમ ભાવો પ્રાપ્ત થતા નથી. ઉત્પાદન ખર્ચમાં વધારો અને વેચાણ ભાવમાં અસહય ઘટાડો થવાથી ખેડૂતો પાયમાલ થઇ રહયા છે. ખાસ કરીને ગુજરાતનાં ખેડૂતોને વધુ નુકશાન થઇ રહયું છે. જો આમ ને આમ ચાલ્યા કરશે તો ખેડૂત મગફળીનું ઉત્પાદન કરવાનું જ બંધ કરી દેશે અને સીંગતેલ માટે બીજા દેશો પર આધારીત થઇ જશે. કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નિતીઓ દુર કરવા માટેનો આવજ પહોંચતો કરવા, ખેડૂતોનાં વિશાળ હિ‌તમાં કાર્ય કરતી સંસ્થાઓ- માર્કેટ યાર્ડોનું કામકાજ બંધ રાખવા અનુરોધ કર્યો છે.