તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારકા જગતમંદિરમાં હાટડી અને અન્નકૂટના ભવ્ય દર્શન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- યાત્રાળુઓએ ભાઇબીજના ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું

દ્વારકામાં દિવાળી તહેવારોમાં જગતમંદિરમાં હાટડી અને નૂતન વર્ષના અન્નકુટ દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતાં. ભાઇબીજના દિવસે યાત્રાળુઓએ ગોમતી સ્નાન કરી પૂણ્યનું ભાથું બાંધ્યું હતું.

શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિ દ્વારકામાં દિવાળીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયો હતો. દિપાવલીના ભગવાન જગતમંદિરમાં હાટડી દર્શન તથા નૂતન વર્ષના દિવસે અન્નકુટ ઉત્સવ મનોરથનો હજારોની સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. તહેવારોમાં રાજાધિરાજને વિવિધ વસ્ત્રો, પરિધાન, અલંકારો અને ઝવેરાતોથી નવાજવામાં આવ્યા હતાં. તહેવારો દરમિયાન ભગવાન દ્વારકાધીશના જગતમંદિરને લાઇટીંગ ડેકોરેશનની રોશનીથી સુશોભીત કરવામાં આવ્યું હતું.

જગતમંદિરમાં આવેલા અન્ય મંદિરોમાં પણ અલગ-અલગ દર્શનોની ઝાંખી ભાવિકોએ કરી ભાવવિભોર બન્યા હતાં. ભાવિકોની ભીડને કારણે શહેરની હોટલ, ગેસ્ટહાઉસ, ધર્મશાળાઓ બે સપ્તાહ સુધી એડવાન્સ બુક થયા છે. ભાઇબીજના દિવસે ગોમતી સ્નાનનું વિશેષ મહત્વ હોવાથી શહેરની પૂણ્ય સલીલા ગોમતી નદીમાં ભાવિકોએ સ્નાન કરી પૂણ્યનું ભાથું બાંધ્યુ હતું. ઉપરાંત ભાઇબીજના દિવસે પરંપરાગત રીતે દર વર્ષની જેમ સાંજના સમયે ગોમતી નદીમાં દીવડાની હારમાળા તરતી મુકવામાં આવી હતી. આ સમયે ગ્રામજનો તથા બહારથી પધારેલા ભાવિકો ઉમટી પડયા હતાં. મીની વેકેશનને કારણે બહારથી મોટી સંખ્યામાં ભાવિકો દ્વારકામાં ઉમટી પડતા શહેરના મુખ્યમાર્ગો પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. શહેરના ધીરૂભાઇ અંબાણી માર્ગ, જોધા માણેક રોડ, તીનબતી ચોક, સ્વામીનારાયણ માર્ગ, ભદ્રકાલી ચોક, જવાહર રોડ સહિ‌તના હાર્દસમા વિસ્તારોમાં વાહનોની લાંબી કતારો લાગી હતી.

આ કારણોસર ગોમતી સ્નાનનું મહત્ત્વ

ચાર ધામોમાં એક દ્વારકામાં ગોમતી નદીમાં ભાઇબીજના હજારો શ્રધ્ધાળુઓએ સ્નાનનો લાભ લીધો હતો. લોકવાયકા પ્રમાણે ભાઇબીજના યમુનાજીએ તેના ભાઇ યમરાજને ભોજન માટે આમંત્ર્યા હતાં. બહેનનું આમંત્રણ સ્વીકારી યમરાજે ભાઇબીજના સોનાની દ્વારકામાં આવી ભોજન ગ્રહણ કરી આર્શિ‌વાદ આપ્યા હતાં કે જે કોઇ ભાઇબીજના ગોમતી નદીમાં સ્નાન કરી દિપદાન કરશે તેમને યમરાજા કયારેય પણ નડતરરૂપ થશે નહીં. આથી નગરની દરેક ગૃહિ‌ણી દ્વારા સાંજના સમયે ગોમતી નદીમાં દિવડા તરતા મૂકવામાં આવ્યા હતાં.