તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેર-જિલ્લાની 197 શાળામાં રમતગમતનું મેદાન નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર: જામનગર શહેર-જિલ્લામાં કાર્યરત 197 સરકારી અને ખાનગી શાળાઓમાં રમતગમતનું મેદાન ન હોવાનું તંત્રના ચોપડે બોલી રહયું છે.મેદાનના અભાવથી રમતગમતની પ્રવૃતિ ન થતાં છાત્રોનો વિકાસ રૂંધાઇ રહયો છે.શાળાની મંજૂરી માટે મેદાન હોવું જરૂરી છે પણ અન્ય સ્થળે મેદાન દર્શાવી લોલમલોલ ચલાવામાં આવી રહયું છે છતાં જવાબદાર શિક્ષણાધિકારી કચેરી દ્વારા કોઇ પગલાં લેવામાં આવતા નથી.

 

રમતગમત પ્રત્યે છાત્રોમાં રૂચિ વધે તે માટે સરકાર દ્વારા ખેલે ગુજરાત,ખેલમહાકુંભ સહિતના મસમોટા આયોજન કરવામાં આવે છે.પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે,જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હેઠળ આવતી શહેરની 4 સરકારી શાળામાંથી 1 અને 144 ખાનગી શાળામાંથી 55 માં મેદાન નથી.આ જ રીતે જિલ્લા પંચાયત હસ્તકની 706 સરકારી શાળામાંથી 21 અને 265 ખાનગી શાળામાંથી 72 શાળામાં તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 50 માંથી 48 શાળામાં મેદાન નથી. 

 

 સરકારી અને ખાનગી મળી કુલ 969 શાળામાં જ મેદાન

 

જિલ્લા શિક્ષણાધિકારી હેઠળ 3 સરકારી શાળા,144 માંથી 89 ખાનગી શાળા,જિ.પં. હસ્તકની 706 સરકારી શાળામાંથી 685 શાળા અને 265 ખાનગી શાળામાંથી 193 અને ન.પ્રા.શિ.સમિતિની 50 માંથી ફકત 2 શાળામાં મેદાન છે. 

 

અનેક શાળામાં નથી વ્યાયામ શિક્ષક 

 

જિલ્લા પંચાયતની 706 સરકારી શાળાઓમાંથી ફકત 325 જેટલી તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 50 શાળામાંથી ફકત 8 શાળામાં વ્યાયામ શિક્ષક છે.ત્યારે 8 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં ન આવી હોવાનું શિક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. 

 

તંત્રના આયોજનનો અભાવ

 

જિ.પ્રા.શિક્ષણાધિકારી ડી.બી.પટેલે જણાવ્યું હતું કે જે જૂની શાળા છે તેમાં મેદાન નથી.નવી શાળાઓમાં મેદાન છે.જયારે શાસનાધિકારી સી.એમ.મહેતાએ જણાવ્યું હતું કે સમિતિ હસ્તકની શાળામાં જામ્યુકો નિર્ણય લે તે મુજબ શાળામાં વિકાસ કાર્યો કરવામાં આવે છે. આમ તંત્ર પાસે આયોજનનો અભાવ છે.

અન્ય સમાચારો પણ છે...