બીજા દિવસે ગાજવીજ સાથે એક ઇંચ વરસાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 જામનગર: હાલારમાં અષાઢીબીજના મેધરાજાએ મુર્હુત સાચવતા ઝાપટાથી માંડી દોઢ ઇંચ વરસાદ વરસતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે.ત્યારે સોમવારે સતત બીજા દિવસે ગાજવીજ સાથે ઝાપટાથી લઇને એક ઇંચ વરસાદ વરસતાં આગામી દિવસોમાં વરસાદ મનમૂકીને વરસશે તેવી આશા લોકોમાં બંધાઇ છે.
 
જામનગર અને દ્રારકા જિલ્લામાં રવિવારે ભારે ઉકળાટ અને બફારા વચ્ચે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતાં આકાશમાં કાળા ડીંબાગ વાદળો છવાયા હતા અને છએક વાગ્યાની આસપાસ મેધરાજાએ ગાજવીજ સાથે તોફાની એન્ટ્રી કરી હતી.એક થી દોઢ કલાક કયાંક ધીમીધારે તો ક્યાંક ઝમાઝમ વરસાદ વરસ્યો હતો. રવિવારે સાંજે 6 થી 8 માં જામનગર અને જામજોધપુરમાં એક,જોડિયામાં દોઢ ઇંચ જયારે ધ્રોલ અને લાલપુરમાં ઝાપટા પડયા હતાં.જયારે ખંભાળિયામાં દોઢ,ભાણવડમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.

સોમવારે સવારે ભાણવડમાં પુન: અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.જયારે બપોર બાદ વાતાવરણ અચાનક પલટાતા ચારેક વાગ્યા આસપાસ જામનગરમાં ગાજવીજ સાથે વરસાદનું જોરદાર ઝાપટું પડયું હતું.આથી માર્ગો પર પાણી વહી નિકળ્યા હતાં. જયારે લાલપુરમાં અડધો ઇંચ પાણી વરસ્યું હતું.

દેવભૂમિ દ્રારકા જિલ્લાના ખંભાળિયામાં સાંજે 4 થી 6 દરમ્યાન અડધો ઇંચ અને કલ્યાણપુરમાં 27 એમએમ એટલે કે એક ઇંચથી વધુ વરસાદ થતાં ખેડૂતો અને ગ્રામજનો ખુશીથી ઝૂમી ઉઠયા હતાં.
 
અન્ય સમાચારો પણ છે...