ગાયો રસ્તા પર, મનપા તંત્ર ડબ્બે પૂરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: જામનગર મહાનગર પાલિકાના સતાધિશોની અણઆવડત અને રાજકિય ડખ્ખલને કારણે શહેરીજનો પરેશાન થઇ રહ્યા છે. શહેરના મહતમ માર્ગો પર ગાય સહિતના પશુઓનો અડિંગો જામ્યો છે, રાહદારીઓને રસ્તા પરથી પસાર થવા માટે રીતસર કોઠા વિંઝવા જેવી સ્થિતીનો સામનો કરવો પડેછે છતાં તંત્રવાહકોના પેટનું પાણીયે હલતું નથી.

શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે, રસ્તાઓનું પણ ધોવાણ થયું છે. ઘરની બહાર નીકળતાની સાથે જ શહેરીજનોને અનેક સમસ્યાનો સામનો કરવો પડેછે. છેલ્લા એકાદ મહિનાથી રસ્તાઓ પર ગાય સહિતના પશુઓએ અડિંગો જમાવ્યો છે. મહાનગર પાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી જાણે ડબ્બે પુરી દેવામાં આવી છે. ઢોર પકડવાની કામગીરી કાગળ પર ચિતરવામાં અાવે છે. ઢોર પકડવા માટે ઉપયોગમાં લેવાતા વાહનોના ડિઝલના ખર્ચા પણ બતાવવામાં આવે છે પરંતુ ઢોર પકડવાની કામગીરી થતી નથી અને એ કારણે શહેરમાં જ્યાં નજર પડે ત્યાં પશુઓ જોવા મળી રહ્યા છે.

રસ્તા પર પશુઅઓના અડિંગાને કારણે અકસ્માતના અનેક બનાવો પણ બન્યા છે. મહાનગર પાલિકા દ્વારા જ્યારે કોઇ નેતાઓ શહેરમાં આવવાના હોઇ ત્યારે ઢોર પકડવામાં આવે છે અને નેતા શહેર છોડે તે સાથે પશુઓ પણ ડબ્બા મૂક્ત થઇ જાય છે. ઢોર પકડવાની કામગીરી ઢીલી હોવા પાછળ શાસકોની પણ સાંઠગાંઠ કારણભૂત હોવાનું શહેરીજનોમાં ચર્ચાઇ રહ્યું છે.(તસવીર:હિરેન હિરપરા)
અન્ય સમાચારો પણ છે...