કાલાવડના ખૂંખાર આરોપીએ વધુ 22 ચોરીના ગુના કબૂલ કર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: કાલાવડ પંથકમાં ઉભા પાક સળગાવી દેવા, વાહનોને આગ ચાંપવી અને ગ્રામજનો પર ખૂની હુમલો સહિતની ઘટનાને અંજામ આપનાર કુખ્યાત જનકસિંહ તખુભા ચૌહાણ કાલાવડ પંથકના લોકો અને પોલીસ માટે માથાનો દુખાવો બન્યો હતો. છાશવારે પોલીસને હાથતાળી દેનાર જનકસિંહને અંતે ગત તા.11ના જામનગર એલસીબીની ટીમે ભાવનગર પંથકમાંથી દબોચી લીધો હતો. ખુંખાર આરોપીને લઇને જામનગર આવી રહેલી પોલીસ પર ધ્રોલ નજીક જનકસિંહે ખૂની હુમલો કર્યો હતો અને આ અંગેની પણ ફરિયાદ નોંધાઇ હતી.

 હાલમાં પોલીસ કબજામાં રહેલા જનકસિંહની પોલીસે આગવીઢબે પુછપરછ કરતા વધુ 22 ચોરીના ભેદ ખુલ્યા હતા. એલસીબીના પીએસઆઇ કડછાએ જણાવ્યું હતું કે, જનકસિંહે છેલ્લા બે વર્ષમાં કચ્છના અંજારમાં, રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા અને અમરેલીના ધારીમાં ચોરી કરી હતી. કુખ્યાત તસ્કરે ઉપરોક્ત વિસ્તારોમાં બંધ મકાનમાં ઘુસી સોના-ચાંદીના દાગીના, મોબાઇલ અને રોકડ તેમજ અનેક સ્થળેથી બાઇકની ચોરી કરી હતી. વધુ કેટલાક ગુનાના ભેદ ઉકેલાવાની આશાએ પોલીસે જનકસિંહની વિશેષ પુછપરછ શરૂ કરી હતી.
 
અન્ય સમાચારો પણ છે...