જામનગરના મોટા થાવરિયામાં ઓઇલ લીકેજથી 10 હેક્ટર જમીનમાં ભારે નુકસાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામે ઓઇલ લીકેજથી 10 હેકટર જમીનમાં પારવાર નુકશાન થયાનું ખેતીવાડી વિભાગ,જમીન વિકાસ નીગમ અને પ્રદુષણ કંટ્રોલ બોર્ડ દ્રારા કરવામાં આવેલા રોજકામમાં દર્શાવાયું છે.કાચું તેલ જમીનમાં ઉતરી જતાં પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની શકયતા તપાસ અહેવાલમાં દર્શાવામાં આવી છે.

 તાજેતરમાં મોટા થાવરિયા ગામે આઇઓસી કંપનીની સલાયા-મથુરા પાઇપલાઇનમાં અચાનક ભંગાણ સર્જતા લાખો લીટર કાચું ઓઇલ વહી ગયું હતું.આથી પાઇપલાઇનની આજુબાજુ આવેલા ખેતરોમાં કાચા ઓઇલની રીતસર નદી વહેતા પારાવાર નુકશાન થયું હતું.આ નુકશાનીનો અંદાજ મેળવવા જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગ,જમીન વિકાસ નિગમ અને જીપીસીબીના અધિકારીઓ દ્રારા સ્થળ તપાસ કરવામાં આવી હતી.જેમાં ખેતીવાડી વિભાગે કરેલા રોજકામમાં કુલ પાંચ ખેડૂતોના ખેતરોમાં કાચું ઓઇલ ફેલાતા 10 હેકટર જમીનને ભારે નુકશાન થયાનું નોંધાયું છે.વળી,
 
 
આ વિસ્તારમાં મોટા ભાગે કપાસનું વાવેતર થતું હોય પાંચેય ખેડૂતોએ કપાસિયા વાવ્યા હતાં.રોજકામમાં કાચું ઓઇલ જમીનમાં નીચે સુધી ઉતરી ગયું હોય પાક ઉગી શકે તેવી પરિસ્થિતિ  ન હોય પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની શકયતાની નોંધ કરી વીધે 30 થી 35 મણ અને પ્રતિ હેકટરે અંદાજે 200 મણ કપાસનું અંદાજીત ઉત્પાદન થઇ શકે તેમ દર્શાવામાં આવ્યાનું જિલ્લા ખેતીવાડી અધિકારી જે.બી.માથાસોલીયાએ જણાવ્યું હતું.
 
જીપીસીબી દ્વારા તપાસ અહેવાલ ગાંધીનગર વડી કચેરીને મોકલાયો
 
મોટા થાવરિયામાં આઇઓસી કંપનીની પાઇપ લાઇનમાં ભંગાણથી ખેતરોમાં ફેલાયેલા કાચા ઓઇલના પ્રદૂષણ અંગેનો તપાસ અહેવાલ ગાંધીનગર વડી કચેરીને મોકલવામાં આવ્યો છે.કંપની સામે નોટીસ સહીત અન્ય પગલાં વડી કચેરી દ્રારા લેવામાં આવશે તેમ જીપીસીબીના જામનગરના અધિકારી દવેએ જણાવ્યું હતું.