જામનગરના જામખંભાળિયા પાલિકાની ચૂંટણી માટે સેન્સ લેવાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- 7 વોર્ડની 28 બેઠક માટે ભાજપના 148 દાવેદારોએ આપ્યા સેન્સ
- શહેરના જાણીતા ડોકટરો, એડવોકેટસ, નિવૃત સરકારી કર્મચારીઓએ ચુંટણી લડવા માટે તત્પરતા દાખવી
ખંભાળિયા: ખંભાળિયા શહેરની આગામી માસમાં સંભવિત રીતે યોજાનાર નગરપાલિકાની સામાન્ય ચુંટણીમાં ઉમેદવારી નોંધાવવામાં ઇચ્છતા દાવેદારોની ચકાસણી અર્થે ગઇકાલે બુધવારે ભાજપના નિરીક્ષકોનું અત્રે આગમન થયું હતું અને આ માટે સેન્સની પ્રક્રિયા સવારથી રાત્રી સુધી ચાલી હતી. ખંભાળિયા નગરપાલીકાની વર્તમાન બોડીની મુદત આગામી સમયમાં પૂર્ણ થનાર છે ત્યારે સંભવત : ઓકટોબર માસમાં પાલિકાની સામાન્ય ચુંટણી યોજાનાર હોવાનું સ્થાનિક રાજકીય સુત્રો દ્વારા જાણવા મળેલ છે ત્યારે આ ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ચુંટણી લડવા અનેક ઉમેદવારો ઇચ્છા દર્શાવી રહ્યા છે.

આ ચુંટણીમાં ઉમેદવારી ઇચ્છતા નગરજનો માટેની સેન્સ લેવાની કાર્યવાહી ગઇકાલે બુધવારે સવારથી નિરીક્ષકો દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મેઘજીભાઇ કણઝારીયાની આગેવાની હેઠળ ભાજપના જિલ્લાના હોદેદારો ખીમભાઇ જોગલ, નિતીનભાઇ કોટેચા તથા મીનાબેન નાણાંવટી સમક્ષ શહેરના ચુંટણી લડવા ઇચ્છતા ઉમેદવારોના સેન્સ લેવામાં આવ્યા હતાં. ખંભાળિયા શહેરના નવા સિમાંકન મુજબ સાત વોર્ડના 28 સદસ્યો માટે કુલ 148 દાવેદારો, ઉમેદવારોએ સેન્સ આપ્યા હતાં જેમાં શહેરના જાણીતા ડોકટરો, એડવોકેટસ, નિવૃત સરકારી કર્મચારીઓ વિગેરેએ ચુંટણી લડવા માટે તત્પરતા દાખવી હતી, શહેર ભાજપ પ્રમુખ અનીલભાઇ તન્ના તથા અન્ય હોદેદારો આગેવાનોની ઉપસ્થિતીમાં યોજાયેલ આ સેન્સની પ્રક્રિયા મોડી રાત્રી સુધી ચાલી હતી અને આગામી સમયમાં ઉમેદવારોના નામોની જાહેરાત અંગે સ્થાનિક કાર્યકરોમાં ઉતેજના સાથે ઉત્કંઠા જાગી છે. આગામી ચુંટણી સંદર્ભે શહેરમાં હાલ ગરમાવો પ્રસરી ગયો છે.