હાલાર પંથકમાં ઓખી ઇફેક્ટ, વાતાવરણમાં અચાનક પલટો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર,દ્વારકા: ઓખી વાવાઝોડાની અસર હાલારમાં સ્પષ્ટપણે જોવા મળી છે.વાતાવરણમાં પલટો આવતા આકાશમાં વાદળો છવાતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.વાવાઝોડા સાથે કમોસમી વરસાદની શકયતા વચ્ચે દિવસભર કાતિલ ઠંડો પવન ફૂંકાયો હતો તો જામજોધપુરમાં હળવા છાંટા પડયા હતાં.વાવાઝોડાની અસરને કારણે પાક નુકશાનની ભીતિ પણ ઊભી થઇ છે. 


ઓખી વાવાઝોડાની અસર સોમવારથી જ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી છે. બંને જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ધ્રાબડિયું વાતાવરણ રહ્યું હતું.દિવસભર ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુંગાર થઇ ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યાનુસાર  આગામી તા.6 સુધી ઓખી વાવઝોડા આવવાની શક્યતા છે.જેના કારણે ભારે પવન અને હળવાથી ભારે વરસાદની સંભાવના હોય જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. 

 

પાકને માઠી અસરની ભીતિ


વાદળછાયા વાતાવરણને કારણે ભેજનું પ્રમાણ વધતા કપાસના પાકને વધારે પાણી ન પીવડાવા તથા જીરુંમાં આછો પાતરો ભેજ હોય તો ખંખેરી નાખવા જિલ્લા ખેતીવાડી અધિકારી ઉસદડીયાએ જણાવ્યું છે.પરંતુ જો કમોસમી વરસાદ થશે તો ખેતરોમાં ઉભેલા પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.  

 

2000માંથી મોટાભાગની બોટ પરત 

 

માછીમારી કરવા ગયેલી ઓખાની 2000 બોટમાંથી મોટાભાગની બોટ પરત ફરતા બંદરો પર બોટનો ખડકલો થયો છે.બાકીની બોટ સોમવારે સાંજ સુધીમાં પરત ફરશે તેમ ઓખા માછીમાર એસો.ના પ્રમુખ મોહન બારાઇએ જણાવ્યું હતું. 

 

પાણીના રંગ પરથી સ્થિતિ પારખતા ટંડેલ

 

દરિયામાં માછીમારી કરવા જતાં બોટના ટંડેલ કે જેઓ દરિયામાં પાણીના રંગ પરથી સ્થિતિનો તાગ મેળવે છે.ત્યારે ઓખા બંદરે પરત ફરેલા ટંડેલોએ જણાવ્યું હતું કે પાણીનો રંગ બદલતા મંગળવારે વાવાઝોડું આવવાની શકયતા છે.

 

 

સાવચેત રહેવા અને ઘટના બને તો જાણ કરવા તાકીદ 

 

ઓખી વાવાઝોડાની આગાહીના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના અધિકારીઓએ સંભવિત પરિસ્‍થિતિને પહોંચી વળવા  તૈયારી સાથે સાવચેત રહેવા અને જો કોઇ ઘટના બને તો કંટ્રોલ રૂમના નંબર ૦૨૮૩૩-૨૩૨૧૮૩ ઉપર જાણ કરવા  દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર ડોડિયાએ જણાવ્યું છે.  

 

 દરિયાકાંઠા વિસ્તાર પર હાઇએલર્ટ જાહેર કરાયું, તકેદારીના પગલાં 

 

જામનગર જિલ્લા કલેકટર રવિશંકરે જણાવ્યું હતું કે વાવાઝોડાની આગાહીના પગલે દરિયાકાંઠા પર હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.માછીમારી પર પ્રતિબંધ ફરમાવાયો છે.નેવી, કોસ્ટગાર્ડ  તેમજ જો વરસાદ થાય તો સ્થિતિને પહોંચી વળવા જામ્યુકોના અધિકારીઓ સાથે મીટીંગ કરી તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. 

 

 

અન્ય સમાચારો પણ છે...