તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્તમાન GST કોઇ સંજોગોમાં સ્વીકાર્ય નથી : વેપારીઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: જીએસટીના કાયદાને લઇ વેપારીઓમાં પ્રવર્તતા વિરોધને દૂર કરવા વેપારીઓ અને મંત્રીઓ વચ્ચે બેઠકોનો દોર શરૂ થયો છે ત્યારે બેઠકમાં વર્તમાન જીએસટી કોઇપણ સંજોગોમાં સ્વિકાર્ય નહી હોવાનું વેપારીઓએ મંત્રી સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું, જ્યારે મંત્રી માંડવીયાએ પણ જીએસટીમાં જરૂરી ફેરફાર કરવા કેન્દ્ર સરકાર પણ કટિબધ્ધ હોવાનો નિર્દેષ આપ્યો હતો.

 જીએસટીને લઇ વેપારીઓમાં અનેક દ્વિધા ચાલી રહી છે. સમગ્ર દેશમાં વેપારીઓ દ્વારા દેખાવ થઇ રહ્યા છે. આ સ્થિતીને દૂર કરવા કેન્દ્ર સરકારે દરેક રાજ્યમાં કેન્દ્રિય મંત્રી અને ટેક્ષ વિભાગના અઘિકારીઓને સાથે રાખી વિવિધ વેપારી મંડળો સાથે ચર્ચા કરી તેમની સમસ્યાઓને સાંભળી જીએસટી કાઉન્સીલ કમિટી સમક્ષ રજુ કરવા તખ્તો ગોઠવવામાં આવ્યો છે, શુક્રવારે કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયા જામનગરના વેપારી મંડળોને રૂબરૂ મળ્યા હતા.

 જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઇ તન્ના સહિતના વેપારી આગેવાનોએ મંત્રી સમક્ષ જણાવ્યું હતું કે, વર્તમાન જીએસટી નાના વેપારીઓ માટે કોઇપણ સંજોગોમાં સ્વિકાર્ય નથી, આ પધ્ધતિથી વેપારીઓ યોગ્ય રીતે ધંધો કરી શકશે નહી અને અાગામી દિવસોમાં બજારમાં તેની વિપરીત અસર જોવા મળશે. વેપારીઓએ જીએસટીમાં જરૂરી ફેરફાર કરવામાં આવે તો વેપારીઓ પણ સરકારની નિતીમાં સહકાર આપવા તૈયાર હોવાની ખાત્રી આપી હતી.

 કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ વેપારીઓને સાંભળ્યા બાદ જણાવ્યું હતું કે, જીએસટીમાં અનેક ખુબીઓ છે, આ ખુબીઓમાં રહેલી ખામીઓને દૂર કરવા ભારત સરકાર કટિબધ્ધ છે. કોઇપણ  ઉત્પાદકો અને વેપારીઓને મુશ્કેલી ન પડે તે દિશામાં કામ કરવાનો સરકારનો ધ્યેય રહ્યો છે.
 
સરકારે દરેક વેપારી મહામંડળો સાથે ચર્ચા કરી વિસંગતતાઓ દૂરકરવા અને યોગ્ય સુચનની અમલવારી કરવા માટે કાઉન્સીલની રચના કરી છે. સુધારા વધારા કરવા માટે દર માસે જીએસટી કાઉન્સીલની મિટીંગ યોજવાનું સરકારે નક્કી કર્યું છે જેને કારણે યોગ્ય રજુઆતોને ધ્યાને લઇ ટેક્ષ માળખામાં ફેરફાર કરવામાં આવશે.

બેઠકમાં મંત્રી ચિમનભાઇ શાપરીયા, સંસદ સભ્ય પુનમબેન માડમ, મેયર પ્રતિભાબેન, ધારાસભ્ય વસુબેન ત્રિવેદી, મેઘજીભાઇ ચાવડા અને કલેક્ટર માકડીયા વેટ ટેક્ષના લાડુમોર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...