Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરકાર તો કીધા કરે : ગાઇડ લાઇનનો ધરાર ઉલાળિયો કરી કોર્પોરેશન જાહેર કાર્યક્રમ કરશે
રાજ્ય સરકાર કોરોના વાયરસને લઇને તમામ જરૂરી પગલાઅો લઇ રહી છે. જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવી રહ્યાં છે તેના વચ્ચે મહાપાલિકા પોતાની બુધ્ધીનું દેવાળું કાઢતું હોય તેમ ખાતમુહૂર્ત અને અવેજીવાળા સફાઇ કામદારોને કાયમી કરવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. જેમાં અંદાજે 4 હજાર જેટલા માણસો ભેગા થવાના છે જેના કારણે અનેક લોકોના ભવા અધ્ધર થયા છે.
જામનગર શહેર-જિલ્લામાં હાલ કોરોના રોગ વિષે જાગૃત્તિના અનેક કાર્યક્રમોનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ મેળાવડા અને ટોળા ભેગા થાય તેવા કાર્યક્રમો ‘ન’ કરવા આવા બધા સાવચેતીના પગલા વચ્ચે જામનગર મહાનગરપાલિકાએ સી. સી. રોડ, કોમ્યુનીટી હોલનું ખાતમુહૂર્ત અને અવેજી સફાઇ કામદારોને કાયમી નિમણૂક આદેશ અર્પણનો કાર્યક્રમ ગોઠવી નાખ્યો છે જેમાં અવેજી સફાઇ કામદારોને કાયમી નિમણૂક આપવાના કાર્યક્રમમાં કેબિનેટમંત્રીઓ સહિતના નેતાઓ પદાધિકારીઅો વગેરે અાવવાના હોય અંદાજીત 4 હજાર જેવી મેદની ભેગી થવાની સંભાવના છે જેના લીધે અનેક અનેક અધિકારીઓના ભવા અધ્ધર થયા છે પરંતુ રાજકીય ‘આકાઓના’ કારણે કોઇ બોલતું નથી પરંતુ કોરોના વાયરસના ભય વચ્ચે સરકારની ગાઇડલાઇનના ધજાગરા કેમ ઉડાડવા તે જામ્યુકો પાસેથી જ શીખવા મળે તેવું કોર્પોરેશનમાં જ ચર્ચાઇ રહયું છે.
મહિલા દિનના કાર્યક્રમો રદ થયા હતા
કોરોના વાયરસના ભયના લીધે લોકોના ટોળા ભેગા ન થાય તે હેતુથી જાહેર કાર્યક્રમો ટાળવામાં આવી રહ્યાં છે.મહિલા દિવસના કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા હતા. પરંતુ આ બધામાં શીખ મેળવવાના બદલે મહાપાલિકાએ પોતાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો.
તપાસ કરાવી લઉં છું : સ્ટે. ચેરમેન
સફાઇ કામદારોને કાયમી કરવાના કાર્યક્રમમાં તો ફક્ત 180 સફાઇ કર્મીઓ છે પરંતુ બીજા લોકો, નેતા અને અધિકારીઓ ભેગા થશે તેનું શુ? તેમ પુછતા સ્ટેન્ડિંગ ચેરમેને તપાસ કરાવી લવ છું. તેમ જણાવ્યું હતું. > સુભાષભાઇ જોષી, સ્ટેન્ડિંગ ચેરમેન. જામ્યુકો
લ્યો, બોલો..નિમંત્રણ પત્રિકા છપાવી લીધી
સીસી રોડ-કોમ્યુનિટી હોલનું ખાતમુહુર્ત અને અવેજી સફાઇ કામદારોને કાયમી નિમણુંકના આદેશનો કાર્યક્રમ 14મીએ ગોઠવ્યો