તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં આરટીઇમાં પ્રવેશ માટે 3120 બેઠક માટે ત્રણ ગણા ફોર્મ ભરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાઇટુ એજયુકેશન એકટ હેઠળ જામનગર જિલ્લામાં ખાનગી શાળાઓમાં 3120 બેઠક પર વિનામૂલ્યે માટે 15 એપ્રિલ સુધીમાં 9363 એટલે કે ત્રણ ગણા ફોર્મ ભરાયા છે.સ્વીકાર કેન્દ્ર પર સોમવાર સુધીમાં 5762 ફોર્મ લેવામાં આવ્યા છે.આરટીઇના ફોર્મ ભરવાની મુદતમાં વધારો થતાં વાલીઓમાં રાહતની લાગણી ફેલાઇ છે. આરટીઇ હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં ધો.1 માં વિનામૂલ્યે પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા 5 એપ્રિલથી શરૂ થઇ હતી.રાજય સરકાર દ્રારા જાહેર કરાયેલા આરટીઇના કાર્યક્રમ મુજબ 15 એપ્રિલ ફોર્મ ભરવાની અને 16 એપ્રિલ ફોર્મ જમા કરાવાની અંતિમ તારીખ હતી.આથી છેલ્લાં દિવસે ફોર્મ ભરવા અને જમા કરાવવા વાલીઓએ પડાપડી કરી હતી.પરંતુ વેબસાઇટમાં ધાંધિયાથી વાલીઓ ધંધે લાગ્યા હતાં.15 એપ્રિલ સુધીમાં જામનગર જિલ્લામાં આટીઇની 3120 બેઠક માટે 9363 ફોર્મ ભરાયા હતાં.

વાલીઓએ એક કરતા વધુ ફોર્મ ભર્યા હોવાથી ફોર્મની સંખ્યા ત્રણ ગણી થઇ હતી.જો કે,મંગળવારે ફોર્મ ભરવાની અને સ્વીકારવાની મુદતમાં વધારો કરવામાં આવતા વાલીઓમાં રાહતની લાગણી ફેલાઇ છે.

જામનગરના બ્રેઇનડેડ જિગ્નેશે આપ્યંુ 4ને નવજીવન, બે આંખ, કિડની, લિવરનું દાન
ભાસ્કર ન્યૂઝ | જામનગર

જામનગરમાં ત્રણ માસ પહેલા જ બ્રેઇનડેડ યુવાનના અંગોનું દાન કરી જામનગરનો પ્રથમ ગ્રીન કોરીડોર થયો હતો જે થકી આઠ વ્યકિતઓને નવજીવન મળ્યા હતાં ત્યારે મંગળવારે વેપારી યુવાન બ્રેઇનડેડ થતા તેના પરીવારે હિમતભેર નિર્ણય લઇ તેની બન્ને આંખો, કિડની, લીવરનું દાન કર્યુ હતું. જે અન્ય વ્યકિતઓને જીવન આપશે. આ માટે અમદાવાદના નિષ્ણાંતોની ટીમ જામનગર આવી તમામ કામગીરી કરી અંગો લઇ રવાના થઇ હતી.

શહેરના જનતા સોસાયટી સામે શાંતિનગર શેરી નં. 3માં રહેતા અને ટ્રાન્સપોર્ટ કાર્ગા કુરીયર અને આઇસ્ક્રીમનો ધંધો કરતા જીગ્નેશભાઇ કેશવજીભાઇ વિરાણી (ઉ.વ.46)ને અચાનક જ મગજમાં લોહી બંધ થઇ જતાં પેરેલીસીસનો એટેક આવ્યો હતો. જે બાદ તેમને હોસ્પિટલ ખસેડયા હતાં. પરંતુ સારવાર કારગત ન નિવડી તેઓ બ્રેઇનડેડ થયા હતાં. જે અંગે તેમના પરીવારમાં રહેલી પત્નિ, માતા અને બન્ને સંતાનો, કાકા, સાળા વગેરેને જાણ કરતા તેઓએ સંયુકત રીતે હિમતભેર નિર્ણય લઇ તેના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. જે માટે અમદાવાદની કિડની હોસ્પિટલનો સંપર્ક કર્યા બાદ નિષ્ણાંત તબીબોની ટીમ અમદાવાદથી જામનગર આવી પહોચી હતી અને શસ્ત્રક્રિયા હાથ ધરી બે આંખો, લીવર અને કિડની કાઢી લેવામાં આવ્યા હતાં અને અન્ય લોકોમાં પ્રતયારોપણ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જામનગરમાં ત્રણ માસમાં અંગદાનની બે મોટી ઘટનાથી હાલારીઓ ગૌરવંતા બન્યા છે.

અંગદાતા જિગ્નેશ

જામનગરમાં આરટીઇના 61 ફોર્મ રિજેક્ટ થયા
આરટીઇના ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની કાર્યવાહી દરમ્યાન જામનગર જિલ્લા પંચાયત હસ્તકની 206 ખાનગી શાળામાં 1978 બેઠક માટે 15 એપ્રિલ સુધીમાં 4663 ફોર્મ ભરાયા હતાં.જેમાંથી 2 ફોર્મ રદ રિજેકટ થયા હતાં.જયારે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હસ્તકની 103 ખાનગી શાળામાં 1142 ફોર્મ ભરાયા હતાં.જેમાંથી 59 ફોર્મ રિજેકટ થયા હતાં.

ચૂંટણીના કારણે આવકના દાખલામાં વિલંબથી આરટીઇના ફોર્મ ભરવાની મુદતમાં વધારો
લોકસભાની ચૂંટણીના કારણે આવકના દાખલામાં વિલંબ થતો હોવાની ફરિયાદોને પગલે આરટીઇના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.જે મુજબ હવે 25 એપ્રિલ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે અને 26 એપ્રિલ સુધી ફોર્મ જમા કરાવી શકાશે.

શિક્ષકોને આરટીઇ સાથે ચાર કામગીરીથી ભારે રોષ
પ્રાથમિક શિક્ષકોને આરટીઇની કામગીરી સાથે બીએલઓ,વાર્ષિક પરિક્ષાના પેપર ચકાસણી,વાર્ષિક પરિક્ષાના માર્ક ઓનલાઇન મૂકવાની મળી એકસાથે ચાર કામગીરી ફાળવવામાં આવતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.બીજી બાજુ શિક્ષકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

સેવા અને સામાજિક કાર્યમાં અગ્રેસર
અંગદાન કરનાર જીગ્નેશભાઇ વિરાણી સેવા અને સામાજીક કામોમાં સદા અગ્રેસર રહેતા હતાં. પદયાત્રીનો સેવા કેમ્પ હોય, મેડીકલ સહાયની વાત હાેય તે હંમેશા બીડુ ઝડપી લેતા જે ભાવનાના લીધે તેના પરીવારે અંગદાનનો નિર્ણય લીધો હતો.

બે આંખ, કિડની, લિવરથી અન્યને નવજીવન
બ્રેઇનડેડ જીગ્નેશભાઇની બે આંખો જામનગરની જી.જી. હોસ્પિટલમાં તેમજ લીવર અને કિડની અમદાવાદ આઇકેડીઆરસી ગર્વમેન્ટ હોસ્પિટલ કિડની ઇન્સ્ટુયટુમાં આપવામાં આવી છે. જેનાથી ચાર વ્યકિતઓને નવજીવન મળવાની અપેક્ષા છે. જીગ્નેશભાઇના પરીવારમાં પત્નિ, માતા અને સંતાનોમાં પુત્ર ધનેશ લોનું ભણે છે જયારે પુત્રી અવની સીએનો અભ્યાસ કરે છે.

બી.ડી.કલારિયા, શિવહરી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ ચોરી કરતા હોવાનું ખુલ્યું
ધો.10માં ચોરી કરતા 27 વિદ્યાર્થી સીસીટીવી કેમેરામાં કેદ થયા
વાલી અને વિદ્યાર્થીની હાજરીમાં સુનાવણી: બોર્ડ દ્વારા તોળાતાં આકરાં પગલાં
ભાસ્કર ન્યૂઝ|જામનગર

જામનગર જિલ્લામાં ધો.10ની બોર્ડની પરિક્ષામાં સીસીટીવી કેમેરાની ચકાસણીમાં 27 વિધાર્થી ચોરી કરતા ઝડપાતા ચકચાર જાગી છે.જેમાં જાબુંડા પાટિયા પાસેની બી.ડી.કલારિયા અને કાલાવડની શિવહરી વિધાલયમાં વિધાર્થીઓ ચોરી કરતા હોવાનું ખૂલ્યું છે.આ વિધાર્થી અને તેના વાલીની હાજરીમાં સુનાવણી પૂર્ણ કરવામાં આવતા બોર્ડ દ્વારા આકરા પગલાં તોળાઇ રહ્યાનું જાણવા મળ્યું છે.

જામનગરની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં જામનગર જિલ્લા શિક્ષણાધિકારી,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,દરેડ તાલીમ ભવનના આચાર્ય અને કલેકટર કચેરીના અધિકારીની ટીમની હાજરીમાં ધો.12 બાદ ધો.10 ની બોર્ડની પરિક્ષાના સીસીટીવી કેમેરાની ફુટેજની ચકાસણી કરવામાં આવી હતી.જેમાં જાંબુડા પાટિયા પાસે આવેલી બી.ડી.કાલરિયા શાળામાં 25 અને કાલાવડની શીવહરી વિધાલયમાં 2 મળી કુલ 27 વિધાર્થી ચોરી કરતા હોવાનું બહાર આવ્યું હતું. આથી આ તમામ વિધાર્થી અને તેમના વાલીઓના નિવેદન લઇ નિયમ મુજબ કાર્યવાહી કરવા બોર્ડને અહેવાલ મોકલવામાં આવ્યો છે.

ડેમ સાઇટ પર ભારે પવન સાથે કરા અને વરસાદથી વીજપુરવઠો ખોરવાયો
આજી-3 ડેમમાં પમ્પિંગ બંધ, આજે પાણી વિતરણમાં વિક્ષેપની સંભાવના
પાવર સપ્લાય કરતા ત્રણ વીજ થાંભલા તૂટી જવાથી સમસ્યા સર્જાઇ
ભાસ્કર ન્યૂઝ|જામનગર

જામનગર શહેરને પાણી પુરૂં પાડતા આજી-3 ડેમની સાઇટ તથા આજુબાજુના વિસ્તારોમાં ભારે પવન સાથે કરા અને વરસાદ પડતા પાવર સપ્લાય કરતા ત્રણ વીજ થાંભાલા તૂટી જતાં આજી-3 ડેમમાં પમ્પીંગ બંધ થતાં બુધવારે પાણી વિતરણમાં વિક્ષેપ સર્જાઇ શકે છે.

જામનગર જિલ્લાના ધ્રોલ,જોડીયા તાલુકામાં તથા પડધરી પંથકમાં મંગળવારે સવારે વાતાવરણમાં અચાનક પલટો આવતા ભર ઉનાળે અષાઢી માહોલ જોવા મળ્યો હતો.આ દરમ્યાન શહેરને પાણી પુરૂં પાડતા આજી-3 ડેમની સાઇટ તથા આજુબાજુના વિસ્તારોમાં બપોરે ભારે પવન સાથે કરા અને વરસાદ પડતા આજી-3 ડેમ ખાતે પાવર સપ્લાય કરતા પડધરી ફીડરના ત્રણ વીજ થાંભલા તૂટી ગયા હતાં.જેના કારણે આજી-3 ડેમ ઉપર વીજપુરવઠો બંધ થવાના કારણે પમ્પીંગ બંધ થયું હતું.વીજ પુરવઠો પુન: કાર્યરત થવામાં આઠ થી દસ કલાકનો સમય લાગે તેમ હોય આ સમય દરમ્યાન આજી-3 ડેમમાં પમ્પીંગ બંધ રહેશે.જેના કારણે જામનગરમાં બુધવારે પાણી વિતરણમાં વિક્ષેપની સંભાવના હોવાનું મનપાના કમિશ્નર સતીષ પટેલે જણાવ્યું છે.

ચિઠ્ઠીની આપ-લે, પ્રશ્નપત્રની અદલાબદલી કરી ચોરી કરતા
ધો.10ની બોર્ડની પરિક્ષાના સીસીટીવી કેમેરાના ફુટેજની ડીવીડીની ચકાસણી દરમ્યાન ચોરી કરતા ઝડપાયેલા 27 વિધાર્થીઓ ચીઠ્ઠીની આપ-લે અને પ્રશ્નપત્રની અદલાબદલી કરી ચોરી કરતા હોવાનું ખૂલ્યું હતું.

પેપરમાં ચોરી કરતા હતા તેને પરીક્ષા ફરીથી આપવી પડશે
ધો.10ની બોર્ડની પરિક્ષામાં સીસીટીવી કેમેરામાં ચોરી કરતા ઝડપાયેલા વિદ્યાર્થી જેમાં 10 વિદ્યાર્થી અને 17 વિદ્યાર્થિની મળી કુલ 27 વિધાર્થીઓ સામે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા કાર્યવાહી કરાશે. વિદ્યાર્થીઓ જે પેપરમાં ચોરી કરતા હતા તે અથવા સમગ્ર પરિક્ષા ફરીથી આપવા સુધીના પણ પગલાં લેવામાં આવી શકે છે.

જામનગરમાં ઓપન ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ યોજાશે
ભાસ્કર ન્યૂઝ | જામનગર

જામનગરના સુમેર સ્પોર્ટ્સ ક્લબ દ્વારા તા.20 અને 22 એપ્રિલના રોજ જામનગર શહેરના સુમેર સ્પોર્ટ્સ ક્લબ, એસ.ટી. ડેપો સામે ઓપન જામનગર ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓપન ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ વિવિધ કેટેગરીમાં યોજવામાં આવશે તો ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આ ટૂર્નામેન્ટમાં ઈચ્છુક ખેલાડીઓએ તા.19 એપ્રિલના રાત્રે 9 વાગ્યા સુધીમાં સુધીમાં જામનગર સુમેર ક્લબની ઓફિસે રૂબરૂ સંપર્ક કરી નામ નોંધાવવાનું રહેશે તેમ કલબ દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...