રાજ્યવ્યાપી ખાતર કૌભાંડ જામનગર સુધી પહોંચ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુરમાં ખૂલેલું ખાતર કૌભાંડ રાજ્યવ્યાપી હોવાનો પર્દાફાશ થતા ચકચાર મચી ગઇ છે. રાજ્યવ્યાપી ખાતર કૌભાંડ જામનગર અને જામજોઘપુર સુધી પહોંચ્યું છે. અહીં કોંગ્રેસે જીએસએફસી ખાતરના ડેપો અને ગોડાઉનમાં ચેકીંગ કરતા સરદાર ડીએપી ખાતરની બોરીમાં 120 થી 720 ગ્રામ જેટલું વજન ઓછું નીકળતાં વહીવટીતંત્ર અને કંપનીના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ છે.પૂર્વ કૃષિમંત્રીના શહેર અને વર્તમાન કૃષિમંત્રીના જામનગર જિલ્લામાં ખાતર કૌભાંડ ઝડપાતાં ચકચાર મચી ગઇ છે.

જેતપુરમાં જીએસએફસીની સરદાર ડી.એ.પી. પ્રોડક્ટમાં બોરીમાં વજનમાં ઘટાડો સામે આવતા ખાતર કૌંભાડ પ્રકાશમાં આવ્યું હતું.ત્યારબાદ શુક્રવારે જામજોધપુરમાં કોંગ્રેસનાં ધારાસભ્ય ચિરાગ કાલરીયા, પાલભાઈ આબંલિયાએ રાસાયણિક ખાતર ડેપોમાં ચેકિંગ હાથ ધરતા જીએસએફસીની સરદાર ડીએપી ખાતરની બોરીઓમાંથી 300 થી 500 ગ્રામ વજન ઓછું નીકળ્યું હતું. ત્યારબાદ કિસાન કોંગ્રેસે જામનગરમાં જીએટીએલના ખાતરના ડેપો અને ગોડાઉનમાં કોંગ્રેસના આગેવાનોને સાથે રાખી કરેલા ચેકીંગમાં પણ ડીએપી ખાતરની બોરીમાં 120 થી 720 ગ્રામ વજન ઓછું નીકળ્યું હતું.જેતપુરમાં આ કૌભાંડ બહાર આવ્યું ત્યારે આ ટેક્નિકલ ભૂલ હોવનો બચાવ કંપનીના અધિકારીઓએ કર્યો હતો.પરંતુ જો ટેક્નિકલ ભૂલ હોય તો કોઈ એક બેચના એક લોટમાં ભૂલ હોય અહીં તો જીએસએફસીની પ્રોડક્ટમાં વજન ઘટાડો સામે આવતા આ એક સુવ્યવસ્થિત કૌંભાડ હોવાનો કિસાન કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

ખાતરમાં વજન કૌંભાડના પગલે જથ્થો નોટ ફોર સેલ કરાયો
જીએસએફસીના ખાતરમાં વજન કૌંભાડ ખૂલ્યા બાદ કંપનીના અધિકારીઓમાં ભારે દોડધામ મચી ગઇ છે.કંપનીના અધિકારીઓએ ડેમેજ કંન્ટ્રોલના ભાગરૂપે ડીએપી ખાતરની બોરીઓનું વેંચાણ ન કરવા એજન્સીધારકોને સૂચના આપતા ડેપોમાં ખાતરની બોરી ઉપર નોટ ફોર સેલના લેબલ ચોંટાડવામાં આવ્યા છે.

જામજોધપુર તપાસ અર્થે ટીમ મોકલવામાં આવી છે
જામજોધપુરમાં જીએસએફસીના ખાતરની બોરીમાં ઓછા વજનની કોંગ્રેસની ધારાસભ્યની ફરિયાદના પગલે ચેકીંગ અર્થે એક ટીમ મોકલવામાં આવી છે.ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે ત્યારબાદ રિપોર્ટના આધારે પગલાં લેવાશે. આર.આર.માકડીયા, જામનગર જિલ્લા તોલમાપ અધિકારી

મોઢુકા ગામે 4 વર્ષથી ડીએપી ખાતરની બોરીઓમાં ઓછા વજનનું કૌભાંડ
પૂર્વ ધારાસભ્યે સેવા સહકારી મંડળીમાં દરોડો પાડી પર્દાફાશ કર્યો
ભાસ્કર ન્યૂઝ | જસદણ

સૌરાષ્ટ્રભરના અનેક વિસ્તારોમાં ખાતરની બોરીઓમાં ઓછો વજન હોવાનું ખુલ્યા બાદ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો, ત્યારે રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના મોઢુકા ગામે આવેલ સેવા સહકારી મંડળીમાં પણ ખાતરમાં વજન ઓછું હોવાનું ખુલતાં ખળભળાટ મચી ગયો હતો. ગત ગુરૂવારે જેતપુર સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ ખાતર કૌભાંડ પકડાયા બાદ આ કૌભાંડ રાજ્યવ્યાપી હોવાનું ખુલ્યું હતું. ગત ગુરૂવારે સાંજે વિંછીયાના મોઢુકા ખાતે સેવા સહકારી મંડળીમાં જસદણના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલની આગેવાની હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ગોડાઉનમાં પડેલી સરદાર ડીએપી બ્રાન્ડ અને એનપીકે બ્રાન્ડના ખાતરની બોરીઓમાં 700 ગ્રામ જેટલું વજન ઓછું હોવાનું ખુલ્યુ હતુ. રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના મતવિસ્તારમાં ખાતરનું કૌભાંડ ઝડપાતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ અંગે જસદણના પૂર્વ કોંગી ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ સહિતના ખેડૂતોએ જણાવ્યું હતું કે, જો ટેકનિકલ ભૂલ હોય તો એક જથ્થામાં જ ખાતરમાં વજનનો ઘટાડો જોવા મળે. પરંતુ આ ટેકનિકલ ફોલ્ટ નથી પણ બુદ્ધિપૂર્વક રીતે ખેડૂતોને લૂંટવા માટેનુ ષડયંત્ર-કૌભાંડ છે તેવો આક્રોશ વ્યકત કર્યો હતો. જેથી આ પ્રકરણની જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

ગોડાઉનમાં પડેલી 2015થી 2019 સુધીની ડીએપી ખાતરની બોરીઓનું વજન કરતા તેમાં પણ કૌભાંડ
વિંછીયા તાલુકાના મોઢુકા સેવા સહકારી મંડળીમાં જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલની હાજરીમાં ડીએપી ખાતરની બોરીઓનું ઈલેક્ટ્રીક વજન કાંટા દ્વારા વજન કરવામાં આવતા 700 ગ્રામ જેટલા ઓછા વજનવાળી બોરીઓ મળી આવી હતી. આ તપાસ દરમિયાન મંડળીના ગોડાઉનમાંથી 2015ની ડીએપી ખાતરની બોરીઓ પણ મળી આવી હતી. જેથી તેનું વજન કરતા તેમાં પણ 700 ગ્રામ જેટલો ઓછો વજન મળ્યો હતો. 2015ની ડીએપી ખાતરની બોરીઓનો વજન કર્યા બાદ ખબર પડી કે ડીએપી ખાતરની બોરીઓમાં 2015થી ખાતર કૌભાંડ ચાલતું આવે છે. એટલું જ નહી સહકારી મંડળીમાં ડીએપી ખાતરની પડેલી 2015થી માંડીને 2019 સુધીની બોરીઓનો વજન કરવામાં આવતા દરેક બોરીઓમાં 700 ગ્રામ જેટલો ઓછો વજન જોવા મળ્યો હતો. ગુજરાતમાં ખેડૂતો સાથે વારંવાર છેતરપીંડીઓ થતી હોવાથી ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. એક બાજુ ચોમાસાના દિવસો નજીક આવી રહ્યા છે અને ખેડૂતો પોતાના ખેતરમાં પાક વાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે ખાતર કૌભાંડ સામે આવતા ખેડૂતો માટે ચિંતાનો વિષય બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...