વીજરખી પાસે અકસ્માતમાં દંપતીનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરનજીક વીજરખી પાસે ડબલસવારી બાઇકને ટ્રકે ઠોકરે લેતા બાઇકસવાર વીરપરના દંપતીનાં મોત નીપજ્યાં હતા. પતિ-પત્ની બંનેને કાળ ભરખી જતાં વીરપર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

કાલાવડના વીરપર ગામે રહેતા ભરતભાઇ ગોરધનભાઇ સખિયા (ઉ.વ.42) અને તેમના પત્ની હંસાબેન (ઉ.વ.38) મંગળવારે સાંજે બાઇક પર જામનગરથી પરત પોતાના ગામ વીરપર જવા નીકળ્યા હતા. પતિ-પત્ની બંને જામનગરની ભાગોળે વીજરખી પાસે પહોંચ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી ટ્રકે બાઇકને ઠોકર મારી હતી.

ટ્રકની ઠોકરથી પતિ-પત્ની બંને બાઇક પરથી ફંગોળાયા હતા. રસ્તા પર પટકાયેલા ભરતભાઇ અને તેમના પત્ની હંસાબેન પર ટ્રકના તોતિંગ વ્હિલ ફરી વળ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પતિ-પત્ની બંનેના સ્થળ પર મોત નિપજ્યા હતા.

બનાવની જાણ થતાં જામનગર પંચ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને બંને મૃતદેહને હોસ્પિટલે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, ભરતભાઇ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતા. ભરતભાઇ અને તેમના પત્ની હન્સાબેન કોઇ કામ સબબ જામનગર આવ્યા હતા અને પરત જતી વખતે બંનેને કાળ ભરખી ગયો હતો.

ભરતભાઇ અને તેમના પત્નીનું અકસ્માતમાં મોત નીપજ્યાંની વાયુવેગે જાણ થઇ જતાં વીરપર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે જીવલેણ અકસ્માત સર્જનાર ટ્રકચાલક સામે ગુનો નોંધી બનાવ અંગેની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અક્સ્માતમાં પતિ-પત્ની બંનેનાં મોતથી વીરપર ગામમાં ગમગીની છવાઇ

અન્ય સમાચારો પણ છે...