તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પિરોટન ટાપુના પ્રકરણની તપાસ ઠેરની ઠેર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરતાબેના પ્રતિબંધિત પિરોટન ટાપુ પર મુજાવરની દફનવિધિ પ્રકરણને એક મહિનો વિતી જવા છતાં ફોરેસ્ટ વિભાગ હજુ સુધી એકપણ આરોપીની ઓળખ કરી શક્યું નથી. આરોપીઓને છાવરવાનો તંત્ર દ્વારા પ્રયાસ થઇ રહ્યાની ચર્ચાએ જોર પક્ડયું છે.

પિરોટન ટાપુ પર જવા માટે ટૂરિસ્ટોને પણ મંજૂરી લેવી પડતી હતી, રાત્રી રોકાણ કરવા માટે કોઇને પણ મંજુરી આપવામાં આવતી હતી. પિરોટન ટાપુ પર દરગાહ તેમજ મોટી જગ્યામાં દબાણ થઇ ગયું હોવા છતાં તંત્રના પેટનું પાણીયે હલતું નહોતું. દરગાહમાં મુજાવર તેના પરિવાર સાથે રહેતા હતા તેને ટપારવાની પણ કોઇએ હિમ્મત કરી નહોતી.

સવા મહિના પૂર્વે દરગાહના મુજાવરનું બીમારી સબબ મૃત્યુ થતાં તેમના મૃતદેહને ટાપુ પર દરગાહ નજીક દફનાવી દેવાયો હતો. દફનવિધિ માટે જામનગરથી વિસેક લોકો ટાપુ પર પહોંચ્યા હતા. દફનવિધિ થઇ ગઇ છતાં ફોરેસ્ટ, મરીન પોલીસ અને મેરી ટાઇમ બોર્ડ સહિતના વિભાગને જાણ થઇ નહોતી.

અંતે મામલો પ્રકાશમાં આવતાં ફોરેસ્ટ વિભાગે ગત તા.27 ઓક્ટોબરના અજાણ્યા શખ્સો સામે ગેરકાયદે ટાપુ પર જવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. સમગ્ર મામલે હિન્દુ સેનાએ લડતનો શંખ ફુંક્યો હતો અને કબરમાંથી લાશ ખોદી કાઢી તેને અન્ય સ્થળે દફનાવવાની માગ કરી હતી. મુજાવરની લાશ કાઢવી કે કેમ મુદ્દે તંત્ર અવઢવમાં છે, પરંતુ જે ગુનો નોંધ્યો છે તેની તપાસમાં પણ ફોરેસ્ટ વિભાગ ઢીલ દાખવી રહ્યું છે. પ્રકરણની તપાસ ચલાતા ફોરેસ્ટર સી.સી.ઉમરેટિયાએ જણાવ્યું હતું કે, તપાસ ચાલુ છે, જોકે ટાપુ પર કોણ ગયું હતું, ક્યા આરોપીની શોધ ચાલુ છે સહિતના મુદ્દે તપાસનીશ ઉમરેટિયા જવાબ આપી શક્યા નહોતા. ત્યારે ફોરેસ્ટ વિભાગ આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યાનો ચર્ચા શરૂ થઇ છે.

એક મહિનો વિતી ગયો હોવા છતાં આરોપીના નામ પણ તપાસનીશ અધિકારી ખોલી શક્યા નથી

અન્ય સમાચારો પણ છે...