ભાસ્કર ન્યુઝ|ખંભાળિયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ|ખંભાળિયા

ખંભાળીયા તાલુકાના ટીંબડી ગામે દલિત સમાજ દ્વારા લગ્નમાં સાફા પહેરવા બાબતે દલિત સમાજના લોકોને ટીંબડીના રાજપુત સમાજના ઇસમો દ્વારા હડધુત કરી ધમકી આપી હતી. સમગ્ર બનાવનો વિરોધ નોંધાવવા દલિત સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે. સૌ પ્રથમ જામનગરમાં સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યા બાદ સોમવારે ખંભાળીયામાં સમગ્ર જિલ્લામાંથી ઉમટી પડેલા દલિતો દ્વારા સૂત્રોચ્ચાર કરી રેલી કાઢીને કલેક્ટર કચેરી ખાતે આવેદન પાઠવ્યું હતું. જવાબદાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

ખંભાળીયાના ટીંબડી ગામે કરશનભાઇ ભીમાભાઇ ડગરાના ભત્રીજાના લગ્નમાં દલિત સમાજ દ્વારા સાફા પહેરવામાં આવ્યા હતાં.પરંતુ આ સાફાના વિરોધ અંગે રાજપુત સમાજના અરવિંદસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, જીતુભા જાડેજા, મહાવીરસિંહ જાડેજા નામના ચાર શખ્સોએ સાફા બાંધવા અંગે બોલાચાલી કરીને લગ્નમાં આવેલા દલિત લોકો સાથે જ્ઞાતિ અંગે હડધુત કર્યા હતાં. સમગ્ર ઘટનાને વખોડી કાઢવા સોમવારે ખંભાળીયામાં સમગ્ર જિલ્લામાંથી ઉમટી પડેલા 2000 દલિત સમાજના લોકો દ્વારા શહેરમાં રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં અને આવેદન પાઠવ્યું હતું. જામનગર તેમજ 2000 દલિત સમાજના લોકોએ કેસરી સાફા ધારણ કરીને શહેરના મીલન ચાર રસ્તા પાસે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી મહારેલી યોજી હતી. તેમજ કલેક્ટર કચેરી સામે સૂત્રોચ્ચાર કરીને રસ્તા રોકવામાં આવ્યા હતાં. પરંતુ હલ્લાબોલ કરે તે પહેલા જ કલેક્ટર દ્વારા આવેદનપત્ર સ્વીકારી લેવામાં આવતા સમગ્ર વિરોધને પોલીસ દ્વારા શાંત પાડી દેવાયો હતો. કલેકટરને આવેદન પાઠવીને તાકિદે જવાબદાર ઇસમો સામે કડક કાર્યવાહી હાથ ધરવા ઉગ્ર રોષ સાથે માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...