આદિત્યાણા ગામે NRI પુત્રે મૃત પિતાના જન્મદિને રાશનની 200 કિટ િવતરણ કરી
પોરબંદર નજીક આવેલ આદિત્યાણાના એન.આર.આઈ એ મૃત પિતાના જન્મદિવસને સેવાકીય કાર્ય કરી ઉજવ્યો હતો.
મૂળ આદિત્યાણા અને હાલ લંડનમાં રહેતા અને એક્સપોર્ટ ઈમ્પોર્ટનો બિઝનેસ કરતા અભય પોપટભાઈ રૂપારેલ એ પોતાના પિતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી. તેઓ વિદેશમાં રહેતા હોવા છતાં કેક કાપીને પાર્ટી સાથેની ઉજવણી કરવાને બદલે માદરે વતન એવા આદિત્યાણા ગામની અકાળે વિધવા થયેલ અને નાના-નાના ભૂલકાઓ ધરાવતી વિધવા બહેનો તથા જરૂરીયાત મંદને 2000 ની એક કીટ એવી રાશનની 200 કીટ એટલે કે બે લાખ રૂપિયાનું રાશન વિધવા બહેનો અને જરૂરીયાતમંદોને આપી પોતાના સ્વર્ગવાસી પિતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. વિધવા બહેનો અને જરૂરીયાત મંદોને રાશનનો પહોંચાડવા નિતીન ભટ્ટ, અનિલ કોશિયા, માધવ પંડિત વગેરેએ જહેમત ઉઠાવી હતી. તેઓએ અગાઉના સમયમાં આદિત્યાણા જલારામ મંદિર માટે જગ્યાનું પણ અનુદાન પૂરું પાડ્યું હતું. આમ અભયભાઈ પોપટભાઈ રૂપારેલ દ્વારા અવારનવાર સેવાકિય કાર્યો કરવામાં આવી રહ્યા છે, ત્યારે સ્થાનિક અગ્રણીઓએ પણ તેની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. વિદેશી કલ્ચરમાં રહીને પણ વતન પ્રત્યે સહાનુભૂતી દાખવતા ઘણા ગુજરાતીઓ સેવા માટે તત્પર રહેતા હોય છે.