ST રોડ પર રેંકડી હટાવવાની અધૂરી કામગીરીથી રોષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને નાથવા એક સપ્તાહથી પોલીસ વિભાગની સાથે મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગનું સંયુકત ઓપરેશન હાથ ધરવામાં આવ્યંુ છે. જેમાં મંગળવારના શહેરના ધમધમતા એસટી રોડ પર બન્ને રેંકડી હટાવવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ આ રોડ પર અમુક ભાગમાં જ ઓપરેશન હાથ ધરાતા લોકોમાં રોષની લાગણી જન્મી હતી. શહેરમાં એક સપ્તાહથી ટ્રાફિક ઝુંબેશ અંગે પોલીસ તથા એસ્ટેટ શાખા દ્વારા સંયુકત ઓપરેશન હાથ ધરી રેંકડીઓ સહિતના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં મંગળવારના શહેરના ધમધમતા એસટી રોડ સવારે બન્ને વિભાગના અધિકારીઓ સહિત સ્ટાફ ઉતરી પડયો હતો. સુમેર કલબ અને તેની સામેના ભાગમાં રેંકડીઓ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં નવાઇની વાત એ છેકે, આઇટીઆઇ કોલેજ પાસે મોટા પ્રમાણમાં રેંકડી સહિતના દબાણો હોવા છતાં કોઇ કામગીરી કરવામાં આવી ન હતી. અેસટી ડેપો પાસેના ગેઇટ પાસે પણ આવી જ પરિસ્થિત જોવા મળતી હોવા છતાં કાેઇ કામગીરી કરાઇ ન હતી. પરંતુ તંત્રએ માત્ર સુમેર કલબ સુધીના વિસ્તારમાં કામગીરી હાથ ધરી નાના વેપારીઓ સામે લાલ આંખ કરી હતી. જયારે આગળના ભાગમાં ઉચ્ચ વગ ધરાવતા તથા મોટામાથાઓ સામે તંત્ર કામગીરી કરવામાં પાછી પાની કરી લેવાઇ હતી. માત્ર ચોપડે બતાવવા પુરતી કામગીરી મંગળવારના એસટી રોડ પર કરવામાં આવી હોય તેવું ચિત્ર જોવા મળ્યું હતું.

ST રોડથી દિનકર પ્લોટમાં રેંકડી ધારકોના રાફડા
જામ્યુકો દ્વારા રેંકડી ઉપાડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં મંગળવારે માત્ર સુમેર કલબ પાસે અને તેની સામેના વિસ્તારમાં કામગીરી કરવામાં આવી હતી. પરંતુ એસટીથી આગળ દિ.પ્લોટ સુધી મોટા પ્રમાણમાં રેંકડીઓ સહિત અનેક નાના-મોટા દબાણોનો રાફડો ફાટી નિકળ્યો હોવા છતાં જાંબાઝ અધિકારીઓ દ્વારા આ વિસ્તારમાં કામગીરી કરવામાં અાવતી ન હોવાથી ધમધમતા રોડ પર ભારે ટ્રાફિક સમસ્યાઓ સર્જાતી હોય છે.

ધમધમતાં રોડ પર ટ્રાફિક પોલીસની પાંખી હાજરી
શહેરનો ધમધમતો અને સવારથી રાત્ર સુધી મોટી સંખ્યામાં વાહનો સહિત રાહદારીઓનું આવાગામન એસટી રોડ પર રહેતું હોય છે અને મોટા પ્રમાણમાં ટ્રાફિક સમસ્યાઓ સર્જાતી હોવા છતાં ટ્રાફિક પોલીસના અધિકારીઓ અમુક અંશે જ ફરજ પર જોવા મળતા હાેવાથી સમસ્યાઓ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોય છે. આવા ધમધમતા રોડ પર પોલીસની પાંખી હાજરી હોવાથી ટ્રાફિક સમસ્યાને લઇને અનેક વખત નાના-મોટા માથાકુટના બનાવો બનતા હોવાથી લોકોમાં પોલીસ સામે રોષ ફાટી નિકળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...