શહેર નજીક કારખાનામાં લાગેલી આગ નવ કલાકે કાબૂમાં આવી

શહેર નજીક કારખાનામાં લાગેલી આગ નવ કલાકે કાબૂમાં આવી

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:01 AM IST
જામનગર નજીક પરફેકટ મેટાક્રાફટ ઇન્ડસ્ટ્રીઝમાં બુધવારે રાત્રીના આગ લાગતા દોડધામ મચી હતી. મનપાના ફાયર બ્રિગેડ તથા રીલાયન્સ, એસ્સાર, જીએસએફસી, ભારત ઓમાન, સિક્કા થર્મલ પાવર સ્ટેશન, ડીસીસી ખાનગી કંપનીની મળી કુલ 110 ગાડી ફાયરીંગ કર્યા બાદ રાત્રીના 10 વાગ્યે લાગેલી આગ ગુરૂવારે સવારે 7 વાગ્યે એટલે કે 9 કલાકે આગ ઓલવાઇ હતી. 5 કીમી. દૂરથી આગના લબકારા જોવા મળ્યા હતાં.

આગ પૂર્વે પ્રચંડ ધડાકો

પરફેકટ મેટાક્રાફટ ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગને પગલે ગ્રામ્ય મામલતદાર ભરત પરમાર સ્થળ પર દોડી ગયા હતાં અને ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર અશોકભાઇ શાહ અને કુશલભાઇ શાહના નિવેદનો નોંધ્યા હતાં. જેમાં ભાગીદારોએ કારખાનામાં બે યુનીટ હોય બંને વચ્ચે 40 થી 45 ફુટનું અંતર હોય બુધવારે રાત્રીના જે યુનીટમાં આગ લાગી તે યુનીટ રાત્રીના 9.30 વાગ્યા આસપાસ બંધ કર્યા બાદ 15 થી 20 મીનીટ પછી પ્રચંડ ધડાકો થયો હતો અને આગ ફાટી નીકળી હોવાનું નિવેદનમાં જણાવ્યું હોવાનું ગ્રામ્ય મામલતદારે જણાવ્યું હતું.

આગનું સાચું કારણ પોલીસ અને એફએસએલની તપાસમાં બહાર આવશે તસવીર-હસીત પોપટ

કેમિકલ, પ્લાસ્ટિક રો-મટિરિયલને કારણે આગ વકરી

ફાયરબ્રિગેડના ચીફ ફાયર ઓફીસર કે.કે.બિશ્નોયએ જણાવ્યું હતું કે, કારખાનામાં કેમીકલ તથા પ્લાસ્ટીકનું રો-મટીરીયલ સહીતનો સામાન હોય આગ લાગ્યાની થોડી મીનીટોમાં આગે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

FSL તપાસ બાદ આગનું કારણ સ્પષ્ટ થશે

જામનગર પંચકોશી બી ડીવીઝનના પીએસઆઇ જે.બી.ખાંભલાએ જણાવ્યું હતું કે, આગના બનાવ અંગે ફરિયાદ દાખલ કરાશે,આગનું ચોકકસ કારણ શુક્રવારે એફએસએલની તપાસ બાદ સ્પષ્ટ થશે. કનસૂમરા ધોરીમાર્ગ પર આવેલી પરફેકટ ઇન્ડસ્ટ્રીઝ 50000 સ્કેવર ફુટમાં પથરાયેલી છે. પીતળના હેન્ડલ, દરવાજાના લોક સહિતની વસ્તુ બનવાતા કારખાનામાં બે યુનીટ છે.વળી, કારખાનામાં લોખંડના ગડરથી શેડ બનાવામાં આવ્યો હતો. પરંતુ પ્રચંડ આગને કારણે લોખંડ અને એલ્યુમીનીયમ પીગળી હોવાનું ફાયર શાખના અધિકારી અને કર્મચારીઓએ જણાવ્યું હતું.

પાણી ભરવા જતાં ફાયર ફાઇટર બંધ થયું

જામનગર શહેર નજીક પરફેકટ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ઓલવવાની કામગીરી દરમિયાન ફાયર બ્રિગેડનું ફાયર ફાયટર પાણી ભરવા પરત જતું હતું ત્યારે લાલપુર બાયપાસ ચોકડી પાસે બંધ થઇ ગયું હતું.

X
શહેર નજીક કારખાનામાં લાગેલી આગ નવ કલાકે કાબૂમાં આવી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી