કોલેજો પાસે આવારા તત્ત્વોના વાહનો ડિટેઇન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં જુદી જુદી કોલેજોના સમય દરમ્યાન સંબંધિત વિસ્તારોમાં અમુક આવારા તત્વો બાઇક પર બેસી ઠઠ્ઠા મશ્કરી કરી વિઘાર્થીનીઓની પજવણી કરતા હોવાની ફરીયાદોના અનુસંધાને એલસીબી અને એસઓજીની ટીમે મહીલા પોલીસને સાથે રાખી મંગળવારે આકસ્મીક ચેકીંગ હાથ ધરીને આવા તત્વોના છ બાઇક ડીટેઇન કર્યા હતા.ખાનગી વેશમાં પોલીસની આ કામગીરીના પગલે આવા તત્વોમાં ફફડાટ મચી ગયો હતો.

જામનગર શહેરમાં ડી.કે.વી. કોલેજ ઉપરાંત મહીલા કોલેજ વિસ્તારમાં કોલેજના સમયગાળા દરમ્યાન સંબંધિત વિસ્તારોમાં આવારા તત્વો મોટરસાઇકલો પર બેસી ઠઠ્ઠા મશ્કરી કરી વિઘાર્થીનીઓની પજવણી કરતા હોવાની ઉઠેલી ફરીયાદોના પગલે જિલ્લા પોલીસ વડા ધ્વારા એલસીબી પોલીસને સુચના આપવામાં આવી હતી.જેના અનુસંધાને પી.આઇ. આર.એ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.વી. વાગડીયા અને વી.એમ. લગારીયાના વડપણ હેઠળ એલસીબી અને એસઓજી ઉપરાંત મહીલા પોલીસની જુદી જુદી ટીમોએ ઉપરોકત કોલેજો પાસે સાદા ડ્રેસમાં વોચ ગોઠવી હતી.

જે દરમ્યાન પોલીસે જુદા જુદા સ્થળેથી આવા આવારા તત્વોના છ વાહનો ડીટેઇન કરી ઘોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.કોલેજો પાસેના વિસ્તારોમાં આવારા તત્વોને કાયદાનુ ભાન કરાવવા માટે એલસીબી અને એસઓજીની ટીમો સાદા ડ્રેસમાં કાર્યરત રહેશે એવા નિર્દેશ પણ પોલીસસુત્રોએ વ્યકત કર્યા છે.

શહેરની જુદી જુદી કોલેજો આસપાસ પોલીસની આકસ્મીક ચેકીંગની કામગીરીથી આવા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

ધુમ બાઇકર્સ પર લગામ જરૂરી
કોલેજો આસપાસના વિસ્તારમાં સતત અવર જવર રહેતી હોવા છતા અમુક ટીનએજર્સ સહીતના ધુમ બાઇકર્સ પણ બેરોકટોક પુરપાટ વેગે આંટા ફેરા કરતા હોવાની ફરીયાદો અવાર નવાર ઉઠવા પામે છે.ત્યારે કોઇ ગંભીર અકસ્માત પુર્વે આ દિશામાં પણ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરવી જોઇએ એવો સુર શહેરીજનોમાં ઉઠયો છે.

અન્ય સમાચારો પણ છે...