બાળકોને ગણિત શીખવવા સરવાળા પેટી, ઘડિયાચક્ર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુર તાલુકાની સરકારી સતાપર નવાપરા વાડી શાળાના શિક્ષક જયેશભાઇ ખાંટે શાળામાં ધો.1 માં અભ્યાસ કરતા બાળકોના વાલીઓને સરકારે નક્કી કરેલા ધોરણ કરતા વધુ શીખવવાની ખાતરી આપી 100 ટકા પરિણામ મેળવ્યું છે. શાળામાં બાળકોને ભાર વગરના ભણતરની અવનવી પરંતુ સરળ ટેકનીક વિકસાવી ગમ્મત સાથે જ્ઞાન આપનાર શિક્ષક જયેશભાઇએ રાજયમાં પ્રથમવાર વાલીઓને એજયુકેશન ગેરેન્ટી સ્કીમ કાર્ડ આપી શિક્ષણક્ષેત્રે ઉમદા ઉદાહરણ પૂરૂં પાડયું પાડયું છે. તેઓ ગણિત શીખવવા માટે સરવાળા પેટી અને ઘડિયાચક્રનો ઉપયોગ કરે છે. જામજોઘપુરમાં રહેતા અને 20 વર્ષથી સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલા જયેશભાઇ ખાંટ કે જેઓ છેલ્લાં 4 વર્ષથી સતાપર નવાપરા વાડી શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેઓએ વર્ષ 2016-17માં ધો.1 માંઅને વર્ષ 2017-18માં ધો.2 માં અભ્યાસ કરતા શાળાના બાળકોના વાલીઓને એજયુકેશન ગેરેન્ટી સ્કીમ કાર્ડ આપ્યા હતાં.ત્યારબાદ તેઓએ બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે તે માટે ભાર વગરના ભણતરની અવનવી ટેકનીક દ્રારા અભ્યાસ અને બાળકોના મનમાં ઉપસ્થિત થતાં અભ્યાસ અંગેના સવાલોના સરળ શૈલીમાં બાળકોની ભાષામાં જવાબો આપવાની સાથે રંગ, સ્વાદ સહીતના વિષયોનું જ્ઞાન આપી 100 ટકા પરિણામ મેળવ્યું છે. રાજયકક્ષાની જીસીઆરટી અને જિલ્લાકક્ષાની ડાયટની કોર કમીટીમાં સભ્ય રહી ચૂકેલા અને રાષ્ટ્રીય તથા રાજયક્ક્ષાએ લીધેલી તાલીમ અને અનુભવના નીચોડથી ટેકનીક વિકસાવી હોવાનું જયેશભાઇએ જણાવ્યું હતું.

ગમ્મત સાથે જ્ઞાનને કારણે શાળાનો ડ્રોપઆઉટ રેશિયો શૂન્ય
સતાપર નવાપરા વાડીશાળામાં ગમ્મત સાથે જ્ઞાનને કારણે આ સરકારી શાળાનો ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય છે.આટલું જ નહીં આજુબાજુ અન્ય ખાનગી શાળઓ આવી હોવા છતાં બાળકો વાડીશાળા છોડીને જતાં નથી.નોંધનીય બાબત તો એ છે કે ગત વર્ષે વાડીશાળામાં બાળકોની સંખ્યા 157 હતી જે આ વર્ષ વધીને 165 એ પહોંચી છે.

શાળાના ધોરણ-1 અને ધોરણ-2ના બાળકો વાંચન-ગણનમાં પણ અવ્વલ
સતાપર નવાપરા વાડી શાળાના શિક્ષક જયેશભાઇની અભ્યાસની અવનવી જ્ઞાન સાથે ગમ્મતની ટેકનીકથી ધો.1 અને 2 ના બાળકો વાંચન ગણનમાં અવ્વલ બન્યા છે. તાજેતરમાં ગુણોત્સવમાં મૂલ્યાંકન દરમ્યાન શાળાના ધો.1 અને 2 ના બાળકો ધો.5 ના બાળકોની જેમ ફટાફટ વાંચન ગણન કરતા અધિકારીઓ પણ મંત્રમુગ્ધ થઇ ગયા હતાં.

બિનજરૂરી શૈક્ષણિક કાર્યક્રમો બાળકોને અભ્યાસ માટે મોટો અવરોધ
બાળકોને અભ્યાસ કરાવવામાં અવરોધ અંગે શિક્ષક જયેશભાઇએ જણાવ્યું હતું કે સરકારના બિનજરૂરી શૈક્ષણીક કાર્યક્રમો અને કામગીરીને કારણ તે અભ્યાસ કરાવવા માટે ઓછો સમય મળે છે. ઉપરાંત શાળામાં શિક્ષકની ઘટ તથા વર્ગખંડના અભાવથી પણ અભ્યાસને માઠી અસર થતી હોવાનો વસવસો તેમણે વ્યકત કર્યો હતો.

બાળકોના અભ્યાસ માટે સાધનો બનાવ્યા
બાળકોને અભ્યાસ બોજારૂપ લાગવાને બદલે રસ પડે અને સરળ રીતે વિષયનું જ્ઞાન મળે તે માટે શિક્ષક જયેશભાઇએ સરવાળા પેટી,બાદબાકીની સમજ આપતું બોર્ડ,ઘડીયાચક્ર,સર્વણપોથી જેવા સાધનો વિકસાવ્યા છે.

સોશ્યલ મીડીયામાં પણ ટેકનીકને જબરો પ્રતિસાદ
સતાપર નવાપરા વાડી શાળાના શિક્ષક જયેશભાઇએ બાળકોને સરળ શૈલીમાં કેવી રીતે અભ્યાસ કરાવવો તેની વિકસાવેલી ટેકનીક સહીશિક્ષા ચેનલ તરીકે યુ-ટયુબમાં મૂકી છે.જેને જબરો પ્રતિસાદ સાંપડયો છે.

અન્ય સમાચારો પણ છે...