જામ્યુકોએ કોર્ટના આદેશનો ભંગ કરતા ફરી શરૂ થશે કાનૂની જંગ
જામનગરનાશરૂસેક્શન રોડ પર એમ.પી. શાહ ઉદ્યોગનગર પાસે એડમીનીસ્ટ્રેટીવ બ્લોક તરીકે ઓળખાતી ૭૬,૭૪૧ ચોરસ ફૂટ જગ્યામાં રહેણાંક તથા ઈંટના ભઠ્ઠા આવેલા છે.
તે જગ્યા ખાલી કરવા માટે વર્ષ ૧૯૮૩ માં જામ્યુકોએ મૌખિક ચીમકી આપી હતી. તેની સામે ટપુ ધરમશી પ્રજાપતિ વગેરેએ સ્થાનિક અદાલતમાં કાનૂની જંગ શરૂ કરતા વર્ષ ૧૯૯૧ માં અદાલતે કાયદાની પ્રક્રિયાને અનુસર્યા વગર દાવાવાળી જગ્યા ખાલી કરાવવા હુકમનામું કર્યું હતું.
સ્થળે આવેલી સર્વે નં. ર૧૧ થી ર૧પ વચ્ચેની જગ્યામાં અંદાજે પચાસ વર્ષથી મોહનભાઈ ટપુભાઈ વગેરે લોકો ભઠ્ઠા ચલાવવાની સાથે ત્યાં વસવાટ પણ કરે છે. તે જમીનનો કાનૂની જંગ સ્થાનિક અદાલતથી માંડી હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.
તે દરમિયાન જામનગરની જિલ્લા અદાલતમાં જામ્યુકોના નાયબ ઈજનેરે એક તબક્કે પાડતોડ કરવાની લેખિત બાહેંધરી પણ રજૂ કરી હતી આમ છતાં જગ્યામાં પાડતોડ કરી નાખવામાં આવતા તમામ વાદીઓએ જામ્યુકો દ્વારા અદાલતી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કર્યો હોય, અને કાયદાની પ્રક્રિયાનો દૂરૂપયોગ કર્યો હોય તેવા કથન સાથે અદાલતમાં અરજી કરી તમામ મકાનો અને ઈંટના ભઠ્ઠા પુનઃસ્થાપિત કરવાની માંગણી કરી હતી.
જામ્યુકોના જવાબદાર અધિકારીઓ સામે અદાલતી પ્રક્રિયાના અનાદાર અંગે સખત પગલાં લેવા તેમજ પ્રત્યેક વાદીને રૂપિયા પાંચ-પાંચ લાખનું વળતર ચૂકવવાની માંગણી કરી હતી. મોહનભાઈ તેમજ અબ્બાસ ઈસ્માઈલ, વશરામ કુંવરજી, જયંતિ રવજી, કાસમ નુરમામદ તરફથી વકીલ મહેશ તખ્તાણી, જીતેશ મહેતા, ભદ્રેશ પરમાર રોકાયાં હતા. અામ જામ્યુકોએ કોર્ટના આદેશનો ભંગ કરીને વર્ષો જૂના કેસમાં ફરી નવો વળાંક આવ્યો છે.