તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં 1, ધ્રોલ-જોડિયામાં અડધો ઇંચ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં સતત બીજા દિવસે ધીમીધારે મેઘમહેરથી મૂરઝાતી મોલાત બચાવાની આશા વધુ ઊજળી બની છે. જામનગરમાં શુક્રવારે રાત્રિથી શનિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં ધીમીધારે વધુ એક ઇંચ, ધ્રોલ-જોડિયામાં અડધો ઇંચ પાણી વરસ્યું છે. કાલાવડ અને લાલપુરમાં હળવા ભારે ઝાપટાં વરસ્યા છે, જ્યારે જામજોધપુર કોરું ધાકોડ રહ્યું હતું. બે દિવસથી કાચા સોનારૂપી વરસાદ વરસતા ખેડૂતોએ આંશિક રાહત અનુભવી છે તો તંત્રે હાશકારો અનુભવ્યો છે.

ગામડાઓ અને ડેમ સાઇટ પર અડધા થી દોઢ ઇંચ

જામનગર જિલ્લાના ગામડામાં અને ડેમસાઇટ પર છેલ્લાં 24 કલાકમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે.જેમાં મોટીબાણુગાર, ધુતારપર, પીઠડ, લૈયારા,ભલસાણબેરાજા, હડિયાણા, બાલંભા, નિકાવા, જાબુંડા, અલિયાબાડા, લતીપર, શેઠવડાળા,ધુનડા,જામવંથલી તો ડેમ સાઇટમાં સસોઇ, ફૂલઝર-1,સપડા, રણજીતસાગર, ઊંડ-2,કંકાવટી,વાડીસાંગ, રૂપારેલ, બાલંભડી, ઊંડ-4નો સામાવેશ થાય છે.

જામનગરમાં શુક્રવારે રાત્રિથી શનિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં ધીમીધારે વરસાદ તસવીર-હસીત પોપટ

જામનગર જિલ્લામાં હજુ પાંચ જળાશયો ખાલીખમ
જામનગર જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં નોંધપાત્ર વરસાદ થવાથી મોટાભાગના જળાશયોમાં નવાં નીર આવ્યા છે, પરંતુ જિલ્લાના સોરઠી, રંગમતી, ડેમી-3, રૂપારેલ અને વાગડિયા ડેમ હજુ ખાલીખમ છે. ત્યારે હજુ વધુ સારો વરસાદ આવે તો ખેડૂતોની મુશ્કેલી ઓછી થઇ શકે છે.

ખંભાળિયા અડધો ઇંચ, દ્વારકામાં વરસાદની મોજ માણતા ભાવિકો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે ખંભાળિયા અને યાત્રાધામ દ્વારકામાં સાંજ સુધીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. દ્વારકામાં સવારથી ધીમી ધારે વરસાદ પડતા યાત્રાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન સાથે વરસાદનો આનંદ માણ્યો હતો.

ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે તા.19 સુધી જામનગર જિલ્લામાં અતિભારે વરસાદની થવાની આગાહી વ્યક્ત કરી છે. જેના પગલે તાલુકના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને તકેદારની પગલાં લેવા અને વરસાદ સંલગ્ન કોઇ બનાવ બને તો જાણ કરવા કલેક્ટરે સૂચના આપી છે.

મૃતક યુવાનના ભાઇએ બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાવી
દેવળિયામાં વીજથાંભલા પર કામ કરતો યુવાન નીચે પટકાતાં મોત
વીજકંપનીના નિયમ મુજબ ખાડો ન ખોદતા દર્ઘટના સર્જાઇ
ભાસ્કર ન્યૂઝ | જામનગર

કલ્યાણપુરના દેવળિયામાં વીજથાંભલા પર કામ કરતો યુવાન નીચે પટકાતા પોલ નીચે દબાઇ જતા તેનું મૃત્યુ નિપજયું હતું.કોન્ટ્રાકટરે નિયમ મુજબ ખાડો ન ખોદતા આ બનાવ બન્યો હોય મૃતકના ભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે કોન્ટ્રાકટર સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

કલ્યાણપુર તાલુકાના ટંકારિયામાં રહેતો રમેશભાઈ કરશનભાઈ જમોડ(ઉ.વ.20) દેવળિયાના પાટિયા પાસે આવેલા વીજ કંપનીના ૬૬ કે.વી. સબ સ્ટેશન પાછળ વીજપોલ પર ચડી મટીરીયલ ફીટ કરવાની કામગીરી કરી રહ્યો હતો ત્યારે અકસ્માતે નીચે પટકાતા પોલ નીચે દબાઇ જવાથી રમેશભાઈનું મૃત્યુ થયું હતું.

આ સમગ્ર બનાવ અંગે મૃતક રમેશભાઇ જમોડના મોટાભાઈ રાજુભાઈ જગાભાઈ જમોડે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ પીજીવીસીએલ પાસેથી થાંભલા ઉભા કરવાનો કોન્ટ્રાકટ મેળવનાર મશરીભાઈ જગાભાઈ કંડોરિયાએ કામના સ્થળે થાંભલો ઉભો કરતા પહેલા ખોદવામાં આવેલા ખાડા નિયમ મુજબના કર્યા ન હતાં. માત્ર દોઢ ફૂટની ઉંડાઈએ ખાડો ખોદ્યા પછી તેના પર થાંભલો ઉભો કર્યો હોય તેની પર રમેશભાઈ ચડતા ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતાં. બનાવ અંગે પોલીસે કોન્ટ્રાકટર સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલ માટેનો ખાડો નિયમ મુજબ 2 બાય 5 ફુટની ઉંડાઇનો હોવો જોઇએ છતાં પણ દોઢ ફુટના ઉંડા ખાડામાં પોલ ખોડવાથી તેની ઉપર કોઇ વ્યકિત ચડશે તો પોલ પડી શકે અને વ્યકિતનું મૃત્યુ થઇ શકે તેમ છતા પોલ ઉપર ચડાવી કામ કરાવ્યાનું જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...