• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • દેવભૂમિ દ્વારકાના નાગેશ્વર ગામે રિક્ષામાં દારૂની હેરાફેરી પકડાઇ

દેવભૂમિ દ્વારકાના નાગેશ્વર ગામે રિક્ષામાં દારૂની હેરાફેરી પકડાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્રારકા જિલ્લાના નાગેશ્વર ગામ પાસે પોલીસે વહેલી સવારે શંકાસ્પદ હાલતમાં પસાર થતી રીક્ષાને આંતરતા ચાલક સહીતની ત્રિપુટી અંધારામાં પલાયન કરી ગઇ હતી જયારે રીક્ષામાંથી 156 બોટલ દારૂ મળી આવતા પોલીસે રીક્ષા સહીત રૂા.2.28 લાખનો મુદામાલ કબજે કરી ફરાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

દ્રારકા તાલુકાના નાગેશ્વર ગામ નજીક નાગેશ વન પાસેના રોડ પર શનિવારે વહેલી સવારે 3-00 વાગ્યાના સુમારે મીઠાપુર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહયો હતો જે દરમ્યાન એક બજાજ રીક્ષા શંકાસ્પદ હાલતમાં પસાર થતા તેને પોલીસે આંતરવાનો પ્રયાસ કર્યો હતો જેના પગલે થોડે દુર રીક્ષા ઉભી રાખીને અંદરથી ચાલક સહિતના ત્રણ ઇસમો અંધારામાં પલાયન કરી ગયા હતા.

આથી પોલીસે રીક્ષાની તલાશી લેતા અંદરથી રૂા. 78,000ની કિંમતના જુદી જુદી બ્રાન્ડના ઇંગ્લીશ દારૂની 156 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો માતબર જથ્થો ઉપરાંત રૂા.1,50,000ની કિંમતની રીક્ષા સહીત રૂા.2.28 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.જયારે પોલીસે રીક્ષા સવાર જીમલભા રામાભા વાઘેર (રે.ગોરીયારી) ઉપરાંત રીક્ષાના ચાલક અને એક અજાણ્યા ઇસમ સહીત ત્રણેયને ફરારી જાહેર કરી તેની શોધખોળ માટે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...