આર્થિક મદદની લાલચ આપી છેતરપિંડી
જામનગરમાં રહેતા એક કેન્સરપિડીત પ્રૌઢ અને તેના પત્નીના આધાર કાર્ડ,ચુંટણી કાર્ડ વગેરે મેળવી આર્થિક મદદરૂપની લાલચ આપી તેનો દુરૂપયોગ કરીને બેન્કમાં ખાતા ખોલાવીને તેમાં લેવડ દેવડ કરી છેતરપીંડી આચર્યાની ફરિયાદ વેપારી સહીત બે શખ્સ સામે નોંધાઇ છે.
નવાગામ ધેડ વિસ્તારમાં સરકારી નિશાળ પાછળ રહેતા અને મજુરીકામ કરતા મનજીભાઇ નારણભાઇ પરમાર નામના પ્રૌઢે તેના તથા તેની પત્નીના આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, ફોટાઓ વગેરે મેળવીને બંનેના આઇડીબીઆઇ બેન્ક-પંચવટી શાખા ખાતે ખાતા ખોલાવીને બોગસ સહીઓ કરીને બેન્ક ખાતામાં લેવડ દેવડ કરી વિશ્વાસધાત અને છેતરપીંડી આચર્યાની ફરીયાદ વેપારી જતીનભાઇ અને જયેશભાઇ સામે નોંધાવી છે.
કેન્સરથી પિડીત મજુર પ્રૌઢ દરબારગઢ પોલીસ ચોકી નજીક આવેલી શાલીગ્રામ હેન્ડલુમ નામની જતીનભાઇની દુકાનથી માલ ખરીદતા હોવાથી બંને વચ્ચે ઓળખાણ થઇ હતી.જે ઓળખાણના કારણે કેન્સર પીડીત પ્રૌઢ દર્દીને દાતાઓથી તરફથી આર્થિક મદદરૂપ થવાની લાલચ આપી તેમને વિશ્વાસમાં લઇને આ દસ્તાવેજો મેળવ્યા બાદ તેનો દુરૂપયોગ કરી બેન્કમાં ખાતા ખોલાવીને લેવડ દેવડ કરી વિશ્વાસધાત અને છેતરપીંડી આચર્યાનુ ફરીયાદમાં જણાવાયુ છે.