જામ્યુકોમાં સભ્યની વાર્ષિક ગ્રાન્ટના ચોક્કસ આંક અંગે પણ ભાજપ-કોંગ્રેસના બે મત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર મહાનગરપાલિકામાં ચૂંટાયેલા 64 નગરસેવકોને દર વર્ષ પોતાના વિસ્તારમાં કામ કરવા માટે 10 લાખની ગ્રાન્ટ આપવામાં આવતી હતી પરંતુ વર્ષ 17-18ના બજેટમાં આ ગ્રાન્ટ 20 લાખની કરી નાખતા શાસક અને વિપક્ષ અામને-સામને અાવી ગયા છે. સતાધીશો બે વર્ષની ભેગી ગ્રાન્ટ ગણાવે છે જયારે વિપક્ષ ઠરાવ કરી સતાધીશો હવે ફરી ગયા હોવાનું ગાણું ગાય છે.

જામનગર મહાનગરપાલિકાના ચૂંટાયેલા 64 નગરસેવકોને મહાપાલિકા દર વર્ષ 10 લાખની ગ્રાન્ટ પોતાના વિસ્તારના રોડ, રસ્તા, ગટર, પાઇપ, દિવાલ વગેરે કામો કરવા માટે આપતી હતી પરંતુ વર્ષ 2017-18ના બજેટમાં આ ગ્રાન્ટ 20 લાખનો કરવાનો ઠરાવ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યો હતો જેને લઇને ભારે હોબાળો મચ્યો છે. વિપક્ષ દર વર્ષ 20 લાખની ગ્રાન્ટ મંજૂર થયાનું જણાવી રહયું છે જયારે સતધીશ આગલા વર્ષે ગ્રાન્ટ ન આપી હોય બે વર્ષની ગ્રાન્ટ ભેગી આપવાનો ઠરાવ થયો હોવાનું જણાવી રહયા છે. જોકે, ઠરાવમાં આવી કોઇ જ સ્પષ્ટતા નથી. વિપક્ષો ગ્રાન્ટમાંથી પોતાના કામો થતા હોવાનું જણાવી શાસક પર ધરાર ઠરાવનો અમલીકરણ ન કરવાનો અાક્ષેપ કરે છે. આ મુદ્દે જોકે મોટાભાગના નગરસેવકોનું વલણ અસ્પષ્ટ છે.

શાસક 10 લાખ, વિપક્ષ 20 લાખ કહે છે
18 ફેબ્રુ.2019ના જનરલ બોર્ડમાં કરેલો ઠરાવ
જામ્યુકોના 18 ફેબ્રુઆરી 2019ના રોજ જનરલ બોર્ડમાં વોર્ડ નં 1 થી 16ના કુલ 64 સભ્યને સભ્યદીઠ 20 લાખની ગ્રાન્ટની જોગવાઇ કરાઇ હતી.

60 લાખની જગ્યાએ રૂ.20 લાખ જ મળ્યા છે
 વર્ષ 2017-18ના ઠરાવ મુજબ અમને 60 લાખ ગ્રાન્ટ મળવી જોઇએ પરંતુ બે કટકે 10-10 લાખ મળ્યા છે. પહેલે તો મેયરને ઠરાવની જ ખબર ન હતી હવે ઠરાવ સામે અાવતા બે વર્ષના પૈસાની વાત કરી છે. આ પૈસાથી અમારા વિસ્તારમાં કામ થાય છે બાકી આ લોકો તો ધારાસભ્યો, સાંસદની ગ્રાન્ટમાંથી કામો કરાવી લે અમારું શું. અલ્તાફ ખફી, વિપક્ષી નેતા, જામ્યુકો

દર વર્ષે 10 લાખની જ સભ્યને ગ્રાન્ટ અપાઇ છે
 દર વર્ષે સભ્ય દીઠ 10 લાખની ગ્રાન્ટ આપવાની થાય છે તે દર વર્ષે આપવામાં આવે જ છે બાકી એક વર્ષ ગ્રાન્ટ આપવામાં આવી ન હતી એટલે જામનગર મહાનગર પાલિકાના 18 ફેબ્રુઆરી 2019ના રોજ જનરલ બોર્ડમાં બે વર્ષના એક સાથે 20 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતાં. વિપક્ષ નેતા અા મામલે ખોટું અર્થઘટન કરી રહ્યા છે. હસમુખ જેઠવા, મેયર,જામનગર

દરેક સભ્યોને સમયસર ગ્રાન્ટ આપવામાં આવે છેે
 આ ટર્મમાં ચૂંટાયેલા દરેક સભ્યને પહેલા વર્ષે ગ્રાન્ટ મળી ન હતી એટલે બીજા વર્ષે 20 લાખની ગ્રાન્ટ આપવામાં આવી ન હતી. બાકી દર વર્ષે નિયમ મુજબ જ દરેક સભ્યને 10 લાખ ગ્રાન્ટ આપવામાં આવી રહી છે. આ વર્ષની ગ્રાન્ટ પણ કમિટીમાં મંજૂર થઇ ગઇ છે જે ગ્રાન્ટ પણ ટૂંક સમયમાં જ અાપી દેવામાં આવશે. જિજ્ઞેશ નિર્મલ,ચીફ એકાઉન્ટન્ટ, જામ્યુકો

અન્ય સમાચારો પણ છે...