જીએસટીની અમલવારી બાદ 9600 વેપારીને ભરવી પડશે રૂ.96 લાખ પેનલ્ટી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર: જીએસટીની અમલવારી બાદ સર્વર ડાઉન,પોર્ટલ બંધ સહિતની ટેકનીકલ ક્ષતિઓને કારણે જામનગર શહેર-જિલ્લાના 9600 વેપારીઓને દિવસ દીઠ રૂ.200 પેનલ્ટી ભરવાની થતી હોય અંદાજે રૂ.96  લાખ પેનલ્ટી ભરવાની સ્થિતિથી વેપારી આલમમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. કાયદાના અમલીકરણના છ મહિના બાદ પણ જીએસટીમાં એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે.


ગુડસ એન્ડ સર્વિસ ટેકસમાં વેપારીઓએ તેના ખરીદ-વેંચાણના હિસાબ 1 જુલાઇથી રજૂ કરવાના હતાં. સરકાર દ્રારા સપ્ટેમ્બર સુધીની પેનલ્ટી માફ કરવામાં આવી હતી. પરંતુ નવેમ્બર અને ડીસેમ્બર માસના આર-1 ફોર્મ પોર્ટલ પર અપલોડ થઇ શકયા નહીં.પહેલાં ટેકસ વિભાગ દ્રારા મુદતો વધારવામાં આવી હતી.પરંતુ 11 જાન્યુઆરીથી જીએસટી જમા ન થાય તો પ્રતિદિન રૂ.200 પેનલ્ટી નકકી કરવામાં આવી છે.આથી વેપારીઓમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.


જામનગર વેટ વિભાગના નાયબ કમિશ્નર ધર્મજીત યાજ્ઞિકે જણાવ્યું હતું કે,શહેર-જિલ્લામાં જીએસટીમાં  નવા અને જૂના મળી અંદાજે 16000 વેપારીએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.જેમાંથી 40 ટકા એટલે કે 6400 વેપારીએ ઓગષ્ટ,સપ્ટેમ્બર,ઓકટોબર અને નવેમ્બર મહીનાના ખરીદ વેચાણના હીસાબની પોર્ટલ પર નોંધણી કરાવી છે.બાકી 9600 જેટલા વેપારીઓને હવે રૂ.200 પ્રતિ દિવસના  હીસાબે એટલે કે 11 થી 16 જાન્યુઆરી સુધી પ્રતિ દિન રૂ.200 લેખે પાંચ દિવસની રૂ.1000(કુલ રૂ.9600000)પેનલ્ટી ભરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. અત્રે નોંધનીય છે કે,જીએસટીના અમલીકરણ બાદ કયારેક પોર્ટલ બંધ તો કયારેક સર્વર ડાઉનના કારણે આ સમસ્યા સર્જાઇ છે.બીજી બાજુ ટેકસ વિભાગ દ્રારા વેરો જમા કરવાની મુદતમાં સતત વધારો કરવામાં આવ્યો હતો તો વેપારીઓએ પણ ઢીલ દાખવી હતી. 

 

 ધંધા-રોજગારમાં ધ્યાન આપવું કે જીએસટીમાં

 

જામનગર શહેરના વેપારી નીરજ  પટેલે જણાવ્યું હતું કે,જીએસટીના અમલીકરણ બાદ પળોજણ ખૂબજ વધી છે.ખાસ કરીને પોર્ટલમાં ધાંધિયા તો સર્વર ડાઉન થઇ જવાથી ખરીદ વેંચાણના હીસાબો રજુ કરી શકાતા નથી તો રીફંડના હજુ કઇ ઠેકાણા નથી.જેના કારણે ધંધા-રોજગારમાં ધ્યાન આપવું કે જીએસટીમાં તે નકકી કરવું મુશ્કેલ બન્યું છે.

 

દંડની રકમ નક્કી કરાઇ છે


 જીએસટી જમા ન કરવા સબબ 11 જાન્યુઆરીથી પ્રતિદિન રૂ.200 દંડની જોગવાઇ કરવામાં આવી છે.આથી બાકી વેપારીઓએ તાકીદે ખરીદ વેંચાણના બાકી હિસાબ રજૂ કરવા જામનગર વેટ વિભાગના નાયબ કમિશ્નર ધર્મજીત યાજ્ઞિકે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...