જામનગર: ઉદ્યોગકારોનું GIDCને 15 દી’ નું અલ્ટિમેટમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: જામનગર જિલ્લાના સૌથી મોટા ઔદ્યોગિક વિસ્તાર જીઆઇડીસી ફેસ 2 અને 3માં ગંદાપાણીના નિકાલ,રસ્તા,ગટર,પાણી,સ્ટ્રીટલાઇટની પાયાની સુવિધા માટે પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન દ્રારા અનેક રજૂઆતો કરવા છતાં સુવિધાના નામે શૂન્યાવકાશની સ્થિતિ હોય પડતર પ્રશ્નોથી પીડાતા ઉદ્યોગકારોએ જીઆઇડીસીને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.આ સમયગાળામાં નકકર પગલાં નહીં લેવાય તો 17 એપ્રિલના ઉદ્યોગ બંધના એલાનની સાથે રેલી યોજી  આવેદન પાઠવવામાં આવશે તેમ એસો.એ જણાવ્યું છે.
 
ગંદુપાણી શોષખાડા કરી જમીનમાં ઉતારવામાં આવતા જમીનનું પ્રદૂષણ વધી રહ્યું છે
 
દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ના જણાવ્યાનુસાર ફેસ 2 અને 3માં ઉદ્યોગોના કામદારો દ્રારા નીકળતા ડોમેસ્ટીક એફલ્યુઅન્ટ એટલે કે ધરગથ્થુ ગંદા પાણીના નિકાલની કોઇપણ વ્યવસ્થા જીઆઇડીસી દ્વારા કરવામાં આવી નથી.આથી આ ગંદુપાણી શોષખાડા કરી જમીનમાં ઉતારવામાં આવતા જમીનનું પ્રદૂષણ વધી રહ્યું છે.મુખ્ય ડેવલોપર તરીકે જીઆઇડીસીએ રસ્તા,ગટર,પાણી,સ્ટ્રીટલાઇટની પાયાની સુવિધા આપી નથી.તાજેતરમાં સુપ્રિમ કોર્ટ દ્રારા દરેક ઔદ્યોગીક વસાહતમાં રોજીંદા વપરાશના ગંદાપાણીના શુધ્ધિકરણ માટે 22 મે સુધીમાં શુધ્ધિકરણ પ્લાન્ટ નાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
 
આ બાબતે તા.27/3ના એસો. દ્રારા સંયુકત મીટીંગ યોજાઇ હતી.જેમાં ચેમ્બર ઓફ કોમર્સ,ફેકટરી ઓનર્સ એસો.,ઇલેકટ્રોપ્લેટર્સ એસો.ના હોદેદારો ઉપસ્થિત રહયા હતાં.મીટીંગમાં ગંદાપાણીના નિકાલની જવાબદારી જીઆઇડીસીની થતી હોય,15 દીવસમાં જીઆઇડીસી દ્રારા આ પ્લાન્ટ કાર્યરત કરવામાં નહીં આવે તો આગામી તા.17 એેપ્રિલના ઉદ્યોગ બંધનું એલાન આપ્યું છે.આ ઉપરાંત રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.
 
2015 ના એમઓયુ અને સૂચનાનો ઉલાળિયો
 
ગંદાપાણીના નિકાલ માટે વાઇબ્રન્ટ સમીટ 2015માં સીટીપી પ્રાજેકટના અમલ માટે એસો.દ્રારા કરાયેલા એમઓયુ બાબતે કલેકટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક મળી હતી.જેમાં જીઆઇડીસી અને જીપીસીબીના અધીકારીઓને 10 દીવસમાં આ મામલે કાર્યવાહી કરી અહેવાલ આપવા આદેશ કર્યો હતો, પરંતુ આ આદેશનો જીઆઇડીસીના અધિકારીઓએ ઉલાળિયો કરતા હજુ સુધી કોઇ કાર્યવાહી ન થતા સમસ્યા યથાવત રહેતા કારખાનેદારો અને  કર્મચારીઓ પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે.
 
દરેડ જીઆઇડીસી ફેસ 2 અને 3ની ફેકટ ફાઇલ
-  3000 નાના-મોટા ઔદ્યોગીક એકમ
-  236 હેકટરમાં ફેલાયેલો વિસ્તાર
-  2.5 થી 3 લાખ લોકોને રોજગારી
-  15000 કામદારો
અન્ય સમાચારો પણ છે...