બળાત્કાર કેસમાં મુખ્ય બે આરોપીને ૭ વર્ષની સજા ફટકારતી અદાલત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મદદગારી કરનાર મહિલા સહિત બે આરોપીને ૬ માસની કેદ અને દંડ

જામનગરમાં અપહરણ કરી બળાત્કારના ચકચારી કેસમાં મુખ્ય બે આરોપીને ૭ વર્ષની સજા અને મદદગારી કરનાર મહિલા સહિત બે આરોપીને ૬ માસની કેદ અને દંડનો હુકમ શુક્રવારના સેસન્સ અદાલતે કર્યો હતો. શહેરના ઉદ્યોગનગરમાં કામ કરવા જતી સગીરાને વિશાલ ઉર્ફે ઇશો રાજુભાઇ વાઘેર નામનો શખ્સ ભગાડી ગયો હતો.

આ બનાવ અંગે સગીરાના ભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવના સાડા ત્રણેક માસ વિશાલ અને સગીરા પોલીસમાં હાજર થયા હતાં. આથી પોલીસે વિશાલની પૂછપરછ કરતાં તેને ફીરોઝ અહમદભાઇ અગબાન ઘાંચીએ પોતાના ઘરમાં આશરો આપ્યો હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન વિશાલ તથા આશરો આપનાર ફીરોઝે સગીરાની એકલતાનો લાભ લઇ બળાત્કાર ગુજાર્યો હતો. આથી પોલીસે વિશાલ તથા આશરો આપનાર ફીરોઝ સામે બળાત્કાર સબબ ગુન્હો નોંધ્યો હતો.

તદ્દઉપરાંત આશરો આપનાર ફીરોઝના ભાઇ ઇમરાન તથા તેની માતા રોશનબેન સામે મદદગારી બદલ પોલીસે ફરિયાદ નોંધી ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ કેસ જામનગરની સેસન્સ અદાલતમાં ચાલી જતાં સરકાર તરફે રોકાયેલા એપીપી પિયુષભાઇ પંચમતિયાની રજૂઆતો ધ્યાને લઇ ન્યાયાધીશ ડી.વાય.પટેલે આરોપી વિશાલ ઉર્ફે ઇશા વાઘેરને તકસીરવાન ઠેરવી કલમ-૩૭૬ના ગુન્હામાં સાત વર્ષની સજા, ૩૬૩ હેઠળ એક વર્ષની સજા, રૂ.૫૦૦ દંડ, કલમ-૩૬૬માં ત્રણ વર્ષની સજા અને ૧૦૦૦નો દંડ ફટકાર્યો હતો.

જ્યારે ફીરોઝને પણ કલમ-૩૭૬ના ગુન્હામાં સાત વર્ષની સજા અને રૂ.૨૦૦૦નો દંડ અને આશરો આપનાર ફીરોઝના ભાઇ ઇમરાન અને માતા રોશનબેનને છ માસની સજા તથા ૫૦૦નો દંડ ફટકાર્યો હતો. સાથે બન્ને મુખ્ય આરોપીએ રૂ.૩૦ હજારનું વળતર ભોગ બનનારને ચૂકવવાનો આદેશ પણ કર્યો હતો.

- ઓઇલ મિલની ચોરીમાં આરોપીને બે વર્ષની કેદ

જામજોધપુરના શેઠવડાળા ગામે આવેલી કિશોરસિંહ જાડેજાની આશાપુરા ઓઇલ મીલમાં ગત તા.૬-૪-૨૦૧૨ના કબાટમાં રાખેલા રોકડા રૂ.૧.૫૭ લાખની ચોરી થતાં આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની તપાસમાં મીલમાં જ ચોકીદારી કરતો દિલીપભાઇ ઉર્ફે મડીયો હીરાભાઇ બારિયા (ઉ.વ.૧૯, રે. સિંગોળા, જિ. દાહોદ)ની સંડોવણી ખુલતાં પોલીસે પકડી પાડી ચાર્જશીટ રજૂ કર્યું હતું.

આ કેસ જામજોધપુરની જયુડી. મેજી. અદાલતમાં ચાલી જતાં ન્યાયાધીશે આરોપી દિલીપને ક્રિ.પ્રિ. કલમ-૨૪૮ (ર) અને આઇપીસી કલમ-૩૮૧ મુજબ તકસીરવાન ઠેરવી બે વર્ષની કેદ અને રૂ.પ૦૦૦નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ તરીકે એ.કે. રાઠોડ રોકાયા હતાં.