જામનગર લોકસભામાં ૪ વખત જ પ૦ ટકાથી વધુ મતદાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઇલેક્શન ફ્લેશબેક ; જામનગર જિલ્લાના મતદારો સતત સુષુપ્ત
- ૨૦૦૪માં ૪૦.૪૬ ટકા અને ૨૦૦૯માં પણ માત્ર ૪૬ ટકા મતદાન થયું હતું


જામનગર લોકસભા બેઠક ઉપર ૧૯પ૭ થી ૨૦૦૯ સુધીમાં માત્ર ચાર વખત જ પચાસ ટકાથી વધુ મતદાન થયું છે. એ સિવાય મતદાનની ટકાવારી પચાસ ટકાથી ઓછી જ રહેવા પામી છે. સામાન્ય રીતે ગ્રામજનોમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત ચૂંટણીની કક્ષાએ તથા શહેરી કક્ષાએ નગરપાલિકાઓ કે મહાનગરપાલિકા ચૂંટણી કક્ષાએ જે વાતાવરણ જોવા મળે છે. તે મોટી ચૂંટણીઓમાં જોવા મળતું નથી. સામાન્ય રીતે લોકસભા ચૂંટણીઓ છેલ્લા એક દાયકાથી ઉનાળાની સીઝનમાં ગોઠવાતી હોય મતદાન ઓછું થવાની ભીતી રહે છે, જે આ વખતે પણ સૌરાષ્ટ્રભરમાં છે.

જો કે, વિધાનસભા ચૂંટણીઓમાં પણ થોડા અંશે મતદારોમાં જાગૃતિ દર્શાય છે અને ૨૦૦૭ વિધાનસભા ચૂંટણીમાં પ૭.૩૧ ટકા બાદ ૨૦૧૨માં ૭૪.૭૭ ટકા મતદાન થયું, જે નોંધપાત્ર રહયું છે.પરંતુ લોકસભા ચૂંટણીમાં તો ૧૯પ૧માં બિનહરીફ બેઠક હતી ત્યારબાદ ૧૯પ૭થી ૨૦૦૯ એટલે કે ૧પમી લોકસભા ચૂંટણી સુધીમાં ૧૯૬૭માં પપ.૮૬ ટકા, ૧૯૭૭માં પ૨.પ૦ ટકા, ૧૯૮૪માં પપ.૩૧ ટકા અને ૧૯૯૮માં પ૩.૨૩ ટકા ઉપરનું મતદાન થયું છે અને ૨૦૦૪માં ૪૦ ટકા ગત ૨૦૦૯ લોકસભામાં માત્ર ૪૬ ટકા મતદાન થયું છે. ખાસ કરીને નાના ક્ષેત્રો માટે યોજાતી ચૂંટણીઓની જેમ લોકસભા ચૂંટણીમાં લોકોનો ખાસ ઉમળકો જોવા મળતો નથી.

ઉનાળો નડે છે : છતાં તંત્રનો ભરપૂર પ્રયાસ
ગત ૨૦૦૪ અને ૨૦૦૯ના વર્ષમાં એપ્રિલમાં જ જામનગર સહિ‌ત ગુજરાતમાં મતદાન હતું, તેમજ ગત લોકસભા વખતે તો ૩૦ એપ્રિલના મતદાન હતું અને ૧૬ મેના મત ગણતરી હતી. કાળઝાળ ઉનાળાનો બરાબર પ્રકોપ હોય તેવા એપ્રિલમાં યોજાતા મતદાન ગરમીના કારણે સુસ્ત રહે છે તેવું તારણ નિકળ્યું છે, જોકે આ વખતે વધુ મતદાન થાય તેવા પ્રયાસો તંત્ર દ્વારા હાથ ધરાયા છે.

જામજોધપુરમાં વધુ દ્વારકામાં ઓછું મતદાન
છેલ્લી બે વિધાનસભા ચૂંટણીઓ અને લોકસભા ચૂંટણીના મતદાનની ટકાવારી ઉપર નજર નાંખીએ તો છેલ્લી બે મોટી ચૂંટણીઓમાં જામજોધપુરમાં હાઇએસ્ટ એટલે કે ૨૦૦૯ લોકસભામાં ૪૯.૬૯ ટકા અને ૨૦૧૨ વિધાનસભામાં ૭૪.૭૭ ટકા મતદાન થયું હતું. જયારે ૨૦૦૭ વિધાનસભા ચૂંટણીમાં જોડિયામાં ૭૧.૨ ટકા હાઇએસ્ટ મતદાન હતું. પરંતુ દ્વારકામાં તો ૨૦૧૨ વિધાનસભા ચૂંટણીમાં ૬પ.૭૭ ટકા, ૨૦૦૯માં લોકસભા ચૂંટણીમાં ૪૨.૨૭ ટકા નીચુ મતદાન થયું હતું. જો કે, ૨૦૧૨ વિધાનસભા ચૂંટણીમાં ૬પ.૨૮ ટકા સાથે જામનગર દક્ષિણ લોએસ્ટ હતું.

છેલ્લી બે ચૂંટણીઓની વિધાનસભા વાર મતદાનની ટકાવારી વર્ષ
વિધાનસભા વિસ્તાર ૨૦૦૯(લોકસભા) ૨૦૧૨(વિધાનસભા)

૭૬-કાલાવડ (અજા) ૪૭.૮૦ ૬૮.૪પ
૭૭-જામનગર (ગ્રામ્ય) ૪૮.૦૯ ૭૨.૨૧
૭૮-જામનગર (ઉતર) ૪૩.૬૪ ૬પ.૮૨
૭૯-જામનગર (દક્ષિણ) ૪પ.૪પ ૬પ.૨૮
૮૦-જામજોધપુર ૪૯.૬૯ ૭૪.૭૭
૮૧-ખંભાળિયા ૪પ.૧૨ ૬૭.૮૯
૮૨-દ્વારકા ૪૨.૨૭ ૬પ.૭૭
સરેરાશ ૪૬.૦૦ ૬૮.પ૯

વર્ષ જિલ્લાના મતદારો મતદાન ટકાવારી
૧૯પ૭ ૩,૪૪,૨૩૨ ૩પ.૨
૧૯૬૨ ૪,૨૬,૮૦૯ ૪૨.૧૩
૧૯૬૭ ૪,૧૪,૧૩૪ પપ.૮૬
૧૯૭૧ ૪,પ૬,૨૭૬ ૪૯.૨૨
૧૯૭૭ ૪,૭૯,પ૮પ પ૨.પ૦
૧૯૮૦ પ,૬૩,૧૬૨ ૪૭.૨૩
૧૯૮૪ ૬,૩૯,૩૧૧ પપ.૩૧
૧૯૮૯ ૮,૧૯,પ૧૮ ૪૪.પ૦

વર્ષ જિલ્લાના મતદારો મતદાન ટકાવારી
૧૯૯૧ ૮,૨પ,૯૮૬ ૪૭.૮૦
૧૯૯૬ ૯,૧૨,૪૨૭ ૩પ.પ૭
૧૯૯૮ ૯,૨૬,૮૨૦ પ૩.૨૩
૧૯૯૯ ૯,પ૮,૪૧૮ ૩૭.૭૩
૨૦૦૪ ૧૦,૭૧,૦પપ ૪૦.૪૬
૨૦૦૯ ૧૨,૯૬,૮૭૭ ૪૬.૦૦
૨૦૧૪ ૧૪,૬૮,૯૦૨ ?