તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાળિયામાં મેઘરાજાની તોફાની બેટિંગ : ૪ ઇંચ વરસાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મોડી સાંજે મેઘો મનમૂકીને વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ

ખંભાળિયા પંથકમાં પ્રથમ રાઉન્ડમાં તાલુકાભરમાં વાવણી લાયક વરસાદ વરસ્યા બાદ લગભગ ત્રણેક સપ્તાહના વિરામ બાદ શુક્રવારે ફરી મેધરાજાએ હેત વરસાવતા મોડી રાત્રી સુધીમાં ધીમીધારે ચારેક ઇંચ વરસાદ વરસ્યો હતો.
છેલ્લા બે દિવસથી સતત મેધાવી માહોલ અને બફારા બાદ શુક્રવારે બપોરે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અને ચાર વાગ્યા સુધીમાં હળવા ભારે ઝાપટાઓ વચ્ચે વીશ મી.મી. પાણી વરસી ગયુ હતુ.ત્યારબાદ સાંજે પણ ધીમીધારે અવિરત વરસાદે રાત્રે આઠ વાગ્યા સુધીમાં વધુ ૫૦ મી.મી. પાણી વરસી જતા કુલ ૭૦ મી.મી. પાણી વરસ્યુ હતુ.આ સાથે મૌસમનો કુલ વરસાદ ૪૮૩ મી.મી. નોંધાયો છે.

અહીના ઘી ડેમ વિસ્તારમાં પણ ૫૫ મી.મી. પાણી વરસી ગયુ છે. જ્યારે શહેરને પાણી પુરૂ પાડતા ઘી ડેમમાં પણ નવા નીરની આવક શરૂ થતા આશરે અડધો ફુટની આવક થયાનું જાણવા મળે છે. આ સાથે અહીના પોરબંદર રોડ પરના ગામોમાં આશરે ચાર ઇંચ સુધી તથા જામનગર-દ્વારકા હાઇ વે પરના ગામોમાં મુશળધાર વરસાદના કાણે મોટા ભાગના તળાવો તેમજ નદી નાળાઓ મહદઅંશે છલકાઇ ગયા છે. રાત્રે નવ વાગ્યા સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આ વરસાદ રાત્રે પણ ચાલુ રહયો હતો અને ચેક ડેમો સહિત અહીના સિંહણ ડેમમાં પણ પાણીની નોંધપાત્ર આવક થવા પામી હતી.

- સલાયામાં ધીમીધારે દોઢ ઇંચ વરસાદ

સલાયામાં સવારે દશ વાગ્યાના સુમારે શરૂ થયેલા વરસાદે હળવી ભારે મેધમહેર વરસાવી હતી.ત્યારબાદ સાંજે ફરી વરસાદના આગમનને પગલે ભુલકાઓ માર્ગ પર વરસાદનો આનંદ લેતા જોવા મળ્યા હતા.નજીકના પરોડીયા, ગોંઇઝ, વિશક્ષેત્રી વગેરે પંથકમાં પણ હળવા ભારે વરસાદના અહેવાલ સાંપડ્યા છે. સલાયામાં લગભગ દોઢેક ઇંચ વરસાદ પડયો હતો.વાવણી બાદ પ્રથમ સારા વરસાદના પગલે ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી છવાઇ હતી.